સુરત: પહેલગામ આતંકી હુમલા બાદ સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે(7 મે) મોકડ્રિલનું આયોજન કરાયું છે. સુરત નજીક આવેલા કાકરાપાર અણુમથક ટાઉનશીપ ખાતે પણ મોક ડ્રીલ કરવામાં આવી હતી.
જેના ભાગરૂપે ગુજરાતના 18 જિલ્લામાં પણ સાંજે 4 વાગ્યાથી સાયરન વગાડી મોકડ્રિલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મોકડ્રિલ 8 વાગ્યા સુધી યોજાશે. આ ચાર કલાક દરમિયાન વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ અપાઈ રહી છે.
મોકડ્રીલ માટે સિવીલ ડિફેન્સે જારી કરેલી કેટેગરીમાં કાકરાપાર શહેરનો સમાવેશ પ્રથમ કેટેગરીમાં કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં દેશના 13 શહેરોનો સમાવેશ કરાયો છે. જેને સંવેદનશીલ તરીકે ગણવામાં આવ્યા છે.
ગુજરાતમાં ત્રણ સંવેદનશીલ શહેરો છે, જેમાં સુરત, વડોદરા અને કાકરાપાર છે. સુરતથી નજીકમાં કાકરાપાર અણુપ્લાન્ટ આવેલો છે. આ ઉપરાંત હજીરા ખાતે ક્રિભકોમાં હેવી વોટર પ્લાન્ટ પણ છે તથા અહીં હજીરા ખાતેની કંપનીમાં ડિફેન્સમાં વપરાતા સાધનોનું મેન્યુફેકચરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આથી આ સંવેદનશીલ વિસ્તારમાં પણ મોક ડ્રિલ કરવામાં આવી હતી.
(અરવિંદ ગોંડલિયા – સુરત)


