બેંગલુરુ: તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રથમ પૂજા-આરતીને લઈને વિવાદ ઊભો થયો છે. કર્ણાટકના મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારે જણાવ્યું છે કે તેઓ પ્રથમ આરતીના અધિકાર સંબંધિત નિયમમાં ફેરફાર કરશે. અત્યાર સુધી પ્રથમ આરતી કરવાનો અધિકાર માત્ર રાજ્યના મુખ્ય મંત્રીને હતો. કર્ણાટક સરકાર દ્વારા નિયુક્ત વિશેષ અધિકારી પ્રથમ આરતી કરતા હતા, પરંતુ હવે તેઓ એવો પ્રોટોકોલ લાવવાની યોજના બનાવી રહ્યા છે, જે હેઠળ મંદિરની પ્રથમ આરતી કરવાનો અધિકાર રાજ્યના જનપ્રતિનિધિઓને પણ મળશે. એટલે કે ધારાસભ્યો, સાંસદો અને ન્યાયાધીશો મંદિર ખાતે હાજર હોય તો તેઓ પણ પ્રથમ આરતી કરી શકશે. તેમનું માનવું છે કે જનપ્રતિનિધિઓ લોકો દ્વારા ચૂંટાઈ આવે છે અને જનતાનો અવાજ હોય છે, તેથી તેમને પણ ભગવાન ગોવિંદાની પ્રથમ આરતી કરવાનો અધિકાર મળવો જોઈએ.
આરતી કોણ કરશે, તે CM નક્કી નહીં કરે
તિરુપતિની પ્રથમ આરતીની પરંપરામાં ફેરફાર કરવાની કર્ણાટક સરકારની યોજના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના સભ્ય ભાનુ પ્રકાશ રેડ્ડીને બિલકુલ પસંદ આવી નથી. તેમણે આ નિર્ણયની ટીકા કરતાં જણાવ્યું છે કે પ્રથમ આરતી કોણ કરશે તે નક્કી કરવાનું કામ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડનું છે, મુખ્ય મંત્રીનું નહીં.
કર્ણાટકને પ્રથમ આરતીનો અધિકાર કેમ મળ્યો?
તિરુપતિ મંદિરના વિકાસ અને નિર્માણમાં મૈસૂરના મહારાજા કૃષ્ણદેવરાયનું મહત્વપૂર્ણ યોગદાન હતું. તેથી કર્ણાટકને ભગવાન વેંકટેશ્વરની પ્રથમ આરતી કરવાનો વિશેષ અધિકાર મળ્યો હતો. જોકે મૈસૂર રાજપરિવારના સભ્યો હંમેશા તિરુપતિમાં હાજર રહી શકતા નથી, તેથી પ્રથમ આરતી માટે એક વિશેષ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ કર્ણાટકના મુખ્યમંત્રી ઇચ્છે છે કે હવે આ અધિકાર જનપ્રતિનિધિઓને પણ આપવામાં આવે.

દેવસ્થાનમ બોર્ડ નારાજ, કહ્યું – મંદિર ડી.કે.નું નથી
કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ટૂંક સમયમાં તિરુમલા દેવસ્થાનમ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. પરંતુ ભાનુ પ્રકાશ રેડ્ડીનું કહેવું છે કે ભગવાન વેંકટેશ્વરની પ્રથમ આરતી કોણ કરશે તે નક્કી કરવાનો અધિકાર માત્ર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડનો છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ડી.કે. શિવકુમાર આ પ્રકારનો નિર્ણય કેવી રીતે લઈ શકે? તેમણે તો અહીં સુધી કહ્યું કે આ તેમનું મંદિર નથી. આ મૈસૂરના મહારાજાનો પરંપરાગત અધિકાર છે, કોઈ રાજકીય નેતાનો નહીં.






