ચેન્નઈઃ તામિલનાડુમાં સત્તારૂઢ TVK (તમિલગા વેત્રી કઝગમ) પાર્ટી આ દિવસોમાં એક પછી એક વિવાદોમાં ઘેરાતી જાય છે. પહેલાં પાર્ટીના કાર્યકરોએ સરકારી મંજૂરી વિના સિંચાઈ નહેરના ગેટ ખોલીને પાણી છોડ્યું હતું અને તેનો વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. હવે પાર્ટીના મંત્રી આર. વન્ની અરાસુના કેટલાક વિડિયોએ નવો વિવાદ ઊભો કર્યો છે. આ વિડિયોમાં મંત્રી મુદુમલાઈના જંગલમાં વાઘની પાછળ જતા, વન વિભાગના અધિકારીઓ સાથે ફરતા અને સરકારી ગાડીના બોનેટ પર બેસીને પોઝ આપતા જોવા મળ્યા છે.
વિડિયો વાયરલ થયા બાદ વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલા લોકોએ સવાલો ઉઠાવ્યા છે. પડોશી રાજ્ય કર્ણાટકના વન મંત્રીએ પણ આ મામલે તપાસની માગ કરી છે. આવી સ્થિતિમાં સવાલ ઊઠી રહ્યો છે કે શું TVKના નેતાઓ અને કાર્યકરો શાસન ચલાવવાની જવાબદારી ગંભીરતાથી લેવાને બદલે દરેક ઘટનાને કેમેરામાં કેદ કરવાની હોડમાં લાગ્યા છે?
આ વિડિયોમાં કેટલીક એવી બાબતો જોવા મળી હતી, જે તમિળ ફિલ્મોના દર્શકોને ઘણી વાર જોવા મળે છે. શાનદાર અને રોમાંચક સ્થળ, રજનીકાંતના અંદાજમાં ઝડપથી ચાલતો હીરો, તેની સાથે ચાલતા લોકો અને સૌથી આગળ દેખાતું મુખ્ય પાત્ર. પરંતુ આ વખતે ફરક એટલો હતો કે મુખ્ય પાત્ર કોઈ ફિલ્મી હીરો નહીં, પરંતુ એક મંત્રી હતો. સ્થળ હતું મુદુમલાઈ નેશનલ પાર્કનું જંગલ અને વાઘ કોઈ એવો કલાકાર નહોતો, જેને શૂટિંગમાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવ્યો હોય. મંત્રીના જંગલવાળા આ વિડિયો ઉપરાંત આ અઠવાડિયે બીજી એક ઘટનાને લઈને પણ સત્તારૂઢ TVK વિવાદમાં આવી ગઈ હતી. થેની જિલ્લામાં પાર્ટીના કેટલાક હોદ્દેદારોએ બુધવારે સરકારી મંજૂરી વિના સિંચાઈ નહેરનું પાણી છોડ્યું હતું. તેમણે તેનો વિડિયો પણ બનાવ્યો હતો, જેના પછી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

નહેરના ગેટ ખોલવા મામલે પણ વિવાદ
થેની જિલ્લામાં બનેલી બીજી ઘટનામાં TVKના કેટલાક હોદ્દેદારોએ પાર્ટીના થેની ઉત્તર-પૂર્વ જિલ્લા સંયુક્ત સચિવ શેખ અલીના નેતૃત્વમાં સોથુપારાઈ ડેમ સાથે જોડાયેલી ન્યૂ કેનાલના સ્લુઇસ ગેટ ખોલી દીધા હતા. તેમણે આ કામ જળસંપત્તિ વિભાગની મંજૂરી વિના કર્યું હતું. આ દરમિયાન પાર્ટીના કાર્યકરોએ પાણી છોડવા પર ફૂલો વરસાવ્યા હતા અને સમગ્ર ઘટનાનો વિડિયો બનાવ્યો હતો. બાદમાં આ વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો હતો કે આ કામ પેરિયાકુલમના ધારાસભ્ય સબરી એંગરનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.






