અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. રાજ્યમાંથી ભલે વરસાદી વિદાયનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું હોય, પરંતુ જતાં-જતાં મેઘરાજા મન મૂકીને વરસશે. હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ એટલે કે એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતને બાદ કરતાં રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં સટાસટી બોલાવી શકે છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે.
બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શકયતા નહિવત છે, જ્યારે પહેલા જ નોરતે મેઘો વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસે તેવી શક્યતા છે. જ્યારે આગામી ચાર દિવસ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. જ્યારે કે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઇ ચૂક્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 24 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે. નવરાત્રીની શરૂઆતમાં જ હવામાનમાં પલટાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણના ભાગોમાં ધોધમાર વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલનાં એંધાણ છે.
