માયાવતીએ ભત્રીજા આકાશ આનંદની પક્ષમાંથી કરી હકાલપટ્ટી

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટી (BSP)નાં પ્રમુખ માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. આકાશને પાર્ટી છોડવાનું કારણ તેમના સસરા અશોક સિદ્ધાર્થનો પ્રભાવ બતાવવામાં આવ્યો છે.બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરતાં જણાવ્યું હતું કે હવે તેમના અંતિમ શ્વાસ સુધી પક્ષમાં તેમનો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ CM અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમ માયાવતીએ એક મોટી કાર્યવાહી કરતા તેમના ભત્રીજા આકાશ આનંદને BSPમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે આકાશ આનંદને પાર્ટીના તમામ મહત્વપૂર્ણ પદો પરથી હટાવી દીધા હતા.

BSP સુપ્રીમો માયાવતીએ X પર પોસ્ટ કરી અને લખ્યું – “ગઈ કાલે BSPની અખિલ ભારતીય બેઠકમાં, આકાશ આનંદને તેના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવમાં રહેવાને કારણે રાષ્ટ્રીય સંયોજક સહિતની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, જેનો તેણે પશ્ચાતાપ કરી પોતાની પરિપક્વતા દર્શાવવાની હતી.”

તેમણે વધુમાં  લખ્યું હતું કે આકાશ દ્વારા આપવામાં આવેલો વિગતવાર જવાબ તેના પસ્તાવો અને રાજકીય પરિપક્વતાનો નહીં,  પરંતુ તેના સસરાના પ્રભાવ હેઠળ મોટા ભાગે સ્વાર્થી, ઘમંડી અને બિન-મિશનરી છે, જેનાથી બચવાની સલાહ હું પાર્ટીના આવા તમામ લોકોને આપવાની સાથે સજા પણ આપતી રહી છું.”

પરમ આદરણીય બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરના આત્મ-સમ્માન અને સ્વાભિમાનની મુવમેન્ટના હિતમાં તેમ જ આદરણીય કાંશીરામની અનુશાસનની પરંપરાને અનુસરીને આકાશ આનંદને તેમના સસરાની જેમ પક્ષ અને આંદોલનના હિતમાં પાર્ટીમાંથી દૂર કરવામાં આવે છે, એમ તેમણે લખ્યું હતું.