દારુ કૌભાંડ કેસ : મનીષ સિસોદિયાને કોર્ટે જામીન ન આપ્યા

આબકારી નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે બંને કેસમાં નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. સિસોદિયાએ જામીન નામંજૂર કરવાના નિર્ણયને પડકાર્યો હતો.અરજીઓને ફગાવી દેતી વખતે હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે સિસોદિયાનું વર્તન લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે મોટો વિશ્વાસઘાત છે. કોર્ટે કહ્યું કે આ કેસ મનીષ સિસોદિયા દ્વારા સત્તાનો ગંભીર દુરુપયોગ અને વિશ્વાસનો ભંગ દર્શાવે છે. 

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર નિર્ણય લેવામાં આવશે

આદેશ વાંચતી વખતે કોર્ટે કહ્યું કે આરોપીઓ હજારો પાનાના દસ્તાવેજો જોવાની માંગ કરી રહ્યા છે. આના કારણે વિલંબ થાય છે. તેમણે કહ્યું કે આ મામલો સત્તાના દુરુપયોગનો છે. આરોપી જે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી હતા તેણે પૂર્વ નિર્ધારિત ધ્યેય માટે નીતિ બનાવી હતી. બેંચ વતી કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પોતે કહ્યું હતું કે જ્યારે સિસોદિયા જામીન અરજી દાખલ કરે છે ત્યારે ટ્રાયલ કોર્ટે તેની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વિના નિર્ણય લેવો જોઈએ.