મણિપુરમાં તણાવ બાદ પાંચ દિવસ માટે ઈન્ટરનેટ, શાળાઓ બંધ

મણિપુરમાં તણાવને પગલે મંગળવારથી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. આ ઈન્ટરનેટ સસ્પેન્શન રવિવારે સાંજે 7.45 વાગ્યા સુધી ચાલુ રહેશે. પાંચ મહિના બાદ જ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યની તમામ શાળાઓ પણ ત્રણ દિવસ બંધ રહેશે. રાજ્ય સરકારે જાહેરાત કરી કે બુધવાર અને 29 સપ્ટેમ્બરના રોજ શાળાઓમાં રજા રહેશે. જ્યારે 28મી સપ્ટેમ્બર પહેલાથી જ ઈદ-એ-મિલાદના કારણે સત્તાવાર રજા છે.

ફરી તણાવ કેમ શરૂ થયો?

મણિપુરમાંથી જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહની તસવીરો સોમવારે (25 સપ્ટેમ્બર) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ પછી ઈમ્ફાલમાં આવેલી શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ વિરોધ રેલીઓ કાઢી હતી. જેને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને 30થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા. જેના કારણે રાજ્યમાં ફરી તણાવ વધી ગયો છે. મણિપુરમાં 3 મેના રોજ બે સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ હતી. આ પછી અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. હિંસામાં અત્યાર સુધીમાં લગભગ 175 લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. સીબીઆઈ પણ જઘન્ય ગુનાઓના કેસની તપાસ કરી રહી છે.