બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. અમીરગઢમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જે બાદ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પાલનપુર સ્પેશિયલ કોર્ટે આરોપી મોતી ચૌહાણને આજીવન કેદ તેમ જ રૂ. 50,000નો દંડ ફટકાર્યો છે.
અમીરગઢ તાલુકાના કીડોતર ગામમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા એક પરિવારની ત્રણ વર્ષની દીકરી બે વર્ષ અગાઉ ખેતરમાં રમતી હતી. તે જોઇને ખેમરાજિયા ગામના મોતી ચૌહાણ નામના શખસે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતાં તેની માતા દોડી આવી હતી. તેને જોઈને આરોપી ફરાર થયો હતો. આ બનાવમાં બાળકીને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જે કેસ પાલનપુર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની રજૂઆતો, આધાર પુરાવાને ધ્યાને લઇ પોક્સો કોર્ટમાં ન્યાયાધીશે દુષ્કર્મના આરોપી મોતી કેશા ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં આરોપી દંડની રકમ ના ભરે તો વધુ એક વર્ષની કેદની સજા કરવામાં આવી છે.