ઈરાને F-15 ફાઈટર જેટ તોડી પાડ્યાનો કર્યો દાવો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે સીમાઓ વટાવી રહ્યો છે. રવિવાર, 22 માર્ચ 2026 ના રોજ ઈરાની સેનાએ હોર્મુઝ આઈલેન્ડના વ્યૂહાત્મક વિસ્તારમાં ઉડી રહેલા એક વિદેશી ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. ઈરાનના જણાવ્યા અનુસાર, આ F-15 જેટ તેમના દક્ષિણી આકાશમાં અનધિકૃત રીતે પ્રવેશ્યું હતું, જેના જવાબમાં જમીન પરથી મિસાઈલ છોડીને તેને ફૂંકી મારવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી અમેરિકા કે ઈઝરાયેલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

અત્યાર સુધીનું લશ્કરી નુકસાન (તથ્યો અને આંકડા):

ઈરાન સાથેના આ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયેલને ટેકનિકલ અને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે:

હવાઈ નુકસાન

કુલ 28 વિમાનો પ્રભાવિત થયા છે. જેમાં અમેરિકાના 16 એરક્રાફ્ટ સામેલ છે, જેમાંથી 12 અત્યંત મોંઘા MQ-9 રીપર ડ્રોન છે. એક ડ્રોનની કિંમત આશરે 56.5 મિલિયન ડોલર છે.

F-35 સ્ટીલ્થ ફાઈટર

19 માર્ચે ઈરાને વિશ્વના સૌથી આધુનિક F-35 જેટને નિશાન બનાવ્યું હતું. અમેરિકાએ સ્વીકાર્યું છે કે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું, પરંતુ કારણ સ્પષ્ટ કર્યું નથી.

ડિફેન્સ સિસ્ટમ પર હુમલો

ઈરાને અમેરિકાની THAAD (Terminal High Altitude Area Defense) સિસ્ટમ સાથે જોડાયેલા AN/TPY-2 રડારને નુકસાન પહોંચાડ્યું છે. આ રડારની કિંમત 300 થી 500 મિલિયન ડોલરની વચ્ચે હોય છે. કતારના અલ ઉદીદ એરબેઝ પરનું 1.1 બિલિયન ડોલરનું રડાર પણ ક્ષતિગ્રસ્ત થયું છે.

યુદ્ધનો આર્થિક બોજ

આ યુદ્ધ અમેરિકા માટે અત્યંત ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે. પ્રથમ ૬ દિવસમાં જ અમેરિકાએ 11 થી 12 બિલિયન ડોલર ખર્ચી નાખ્યા છે. અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ ટોમહોક (Tomahawk) મિસાઈલ છોડવામાં આવી છે, જેમાં એક મિસાઈલની કિંમત 3.5 મિલિયન ડોલર છે. વધુમાં, અમેરિકાના યુદ્ધ જહાજ USS જેરાલ્ડ આર ફોર્ડમાં લાગેલી આગને બુઝાવવામાં 30 કલાકનો સમય લાગ્યો હતો, જેના કારણે તેની ઓપરેશનલ ક્ષમતા પર અસર પડી છે. હોર્મુઝની સામુદ્રધુની પાસે બનેલી આ ઘટનાએ વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના પુરવઠા અને સુરક્ષા અંગે ચિંતા વધારી દીધી છે. જો ઈરાનનો આ દાવો સાચો સાબિત થાય છે, તો તે અમેરિકન વાયુસેના માટે મોટો આંચકો ગણાશે.