પ્રયાગરાજના કિનારે શ્રદ્ધાનો ‘સંગમ’, લાખો લોકોએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું!

ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજમાં એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા એવા મહાકુંભનો 13 જાન્યુઆરીથી પ્રારંભ થઇ ગયો છે. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે. ગંગા, સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડુબકી લગાવીને શાહી સ્નાન કરી રહ્યા છે. પરંપરા મુજબ 12 વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થયું છે. જેને પગલે અગાઉ કરતા વધુ લોકો શાહી સ્નાનનો લાભ લે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે 26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં 40 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકે છે.
પહેલા દિવસથી જ તીર્થસ્થળ પ્રયાગરાજ પર ભક્તોની ભારે ભીડ એકઠી થવા લાગી છે. કુંભના દરેક દિવસે ભક્તોની ભારે ભીડ થવાની શક્યતા છે, પરંતુ શાહી સ્નાનના દિવસે આ ભીડ અનેક ગણી વધી શકે છે. ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, સવારે 10 વાગ્યા સુધીમાં લગભગ 60 લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. આ વખતે શ્રદ્ધા અને આધુનિકતાનો સંગમ છે. અમે પરંપરાગત પોલીસિંગ ઉપરાંત ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ભક્તોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડી છે. આજે ફૂલોનો વરસાદ પણ થશે. બધું સરળતાથી અને એકીકૃત રીતે ચાલી રહ્યું છે. આ વખતે કુંભને ભવ્ય, દિવ્ય, ડિજિટલ અને સુરક્ષિત બનાવવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

એપલના સ્વર્ગસ્થ સહ-સ્થાપક સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ મહાકુંભમાં પહોંચ્યા છે. લોરેન આધ્યાત્મિક ગુરુ સ્વામી કૈલાશાનંદ ગિરી મહારાજના આશ્રમમાં પહોંચ્યા છે. સ્વામી કૈલાશાનંદ ગિરીએ લોરેન વિશે કહ્યું, “તેઓ ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક છે. તેઓ મને એક પિતા અને માર્ગદર્શક તરીકે માન આપે છે. દુનિયા ભારતીય પરંપરાઓને સ્વીકારી રહી છે.”

મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં પ્રખ્યાત ગાયકો કૈલાશ ખેર, શંકર મહાદેવન, કવિતા કૃષ્ણમૂર્તિ સહિત ઘણા મોટા કલાકારો પરફોર્મ કરશે. સંસ્કૃતિ મંત્રાલયે ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાના સંગમની ઉજવણી માટે કુંભ મેળા વિસ્તારમાં એક જીવંત સાંસ્કૃતિક સ્થળ – ‘કલાગ્રામ’ ની સ્થાપના કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, 4,000 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ સ્થળ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ અને અદ્યતન સંગઠનાત્મક ક્ષમતાઓનું સુમેળભર્યું મિશ્રણ દર્શાવે છે.

મહાકુંભના ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું. તેમણે કહ્યું, ‘ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને માનનારા કરોડો લોકો માટે આ ખૂબ જ ખાસ દિવસ છે!’ મહાકુંભ 2025 પ્રયાગરાજમાં શરૂ થઈ રહ્યો છે, જે અસંખ્ય લોકોને શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિના પવિત્ર સંગમમાં એકત્ર કરશે. મહાકુંભ ભારતના શાશ્વત આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે અને શ્રદ્ધા અને સંવાદિતાની ઉજવણી કરે છે.