અમદાવાદ: ચૂંટણી લોકસભાની હોય કે પંચાયતની દરેક વોટ કિંમતી હોય છે. એટલે જ દરેક રાજકીય પક્ષો, નેતાઓ તેમજ ચૂંટણી પંચ મતદાનને લોકશાહીનું પર્વ માને છે. આ અવસરનો સૌ લાભ લઇને ગમતી વ્યક્તિ અને સરકારને ચૂંટે એ માટે અનેક લોકો સતત પ્રયત્નશીલ રહે છે. લોકસભા 2024ની ચૂંટણી ભર ઉનાળે આવી છે. એમાંય વૃધ્ધો અને બિમાર લોકોને માટે જોખમી થાય એવી મોસમથી સૌ કોઇ ઓછા મતદાનથી ચિંતામાં રહ્યા.ચૂંટણી પંચ, રાજકીય પક્ષોએ લોકોને ઘરમાંથી મતદાન મથક સુધી પહોંચાડવા રજાની જાહેરાત કરી. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મફત પ્રવાસ કરી શકાશે એવી વ્યવસ્થા કરી. કેટલાક સ્થળોએ ઘરથી મતદાન મથક સુધી પહોંચાડવા પણ વ્યવસ્થાઓ કરાઇ. આ સાથે વૃધ્ધ અને બિમાર લોકો જેવા મતદાન મથક પર ઉતરે ત્યારે એમને વ્હીલ ચેરમાં બેસાડી મતદાનના બુથ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
એકલા અમદાવાદ શહેરમાં જ દરેક બુથ પર વૃધ્ધ અને બિમાર માણસો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેવી રીતે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉદ્યોગપતિઓ, ક્લબો, સહકારી બેંકો અને સામાજિક સંસ્થાઓએ અપીલ કરી એવી જ રીતે તમામ મતદાન મથકો પર વ્હીલચેરની વ્યવસ્થામાં સૌ સહભાગી થયા.જુદી-જુદી સહકારી બેંકો, સ્વૈચ્છિક સંસ્થાઓના લોગોવાળી એકદમ નવી નક્કોર વ્હીલચેર મતદાન મથકની બહાર જોવા મળી હતી. સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ શહેરમાં મતદાનની શરુઆત થતાં જ ઠંડા પહોરે વૃધ્ધ અને બિમાર લોકોએ સૌથી વધારે મતદાન કર્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)