Election 2024: ધાર્યુ પરિણામ ન દેખાતા ફડણવીસના ઘરે NDA નેતાઓની બેઠક

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024 માટે મહારાષ્ટ્રમાં કુલ પાંચ તબક્કામાં મતદાન થયું છે. મહારાષ્ટ્રની તમામ 48 બેઠકો સહિત દેશભરની 543 બેઠકોના પરિણામો આજે જાહેર કરવામાં આવશે.

 

મહારાષ્ટ્રમાં સીટ-વહેંચણીની ગોઠવણ હેઠળ, ભાજપે 28 મતવિસ્તારોમાંથી ચૂંટણી લડી હતી, જ્યારે તેની સાથી શિવસેના (એકનાથ શિંદે જૂથ) 14 મતવિસ્તારોમાંથી અને અજિત પવારની આગેવાની હેઠળની NCP પાંચ બેઠકો પરથી ચૂંટણી લડી હતી. શિવસેના (UBT) ના મહા વિકાસ આઘાડી સભ્યો 21 મતવિસ્તારોમાં, કોંગ્રેસે 17 અને NCP (શરદચંદ્ર પવાર) 10 મતવિસ્તારોમાં ચૂંટણી લડ્યા હતા. NDAએને અપેક્ષા મુજબ ચિત્ર નથી દેખાઈ રહ્યું. INDIA ગઠબંધનનું પ્રભુત્વ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. શિવસેના (UBT)ના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસ 12 સીટ સાથે આગળ છે. જ્યારે ભાજપ 11 સીટ સાથે બીજા સ્થાન પર છે. તો શિવસેના પણ 9 સીટ સાથે કાંટાની ટક્કર આપી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં સારા પરિણામ ન આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભાજપના નેતાઓની બેઠક શરૂ થઈ છે. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને પાર્ટીના નેતાઓ આશિષ શેલાર, પ્રવીણ દરેકર અને રાહુલ નાર્વેકર બેઠક માટે પહોંચ્યા છે.

મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી કોંગ્રેસની વર્ષા ગાયકવાડ હવે 793 વોટથી આગળ છે અને બીજેપીના ઉજ્જવલ નિકમ પાછળ છે.બારામતી બેઠક પરથી 16મા રાઉન્ડ સુધી સુપ્રિયા સુલે 93828 મતોથી આગળ છે.

મહારાષ્ટ્રમાં તમામ પક્ષોના ઘણા ઉમેદવારો લાખો મતોથી આગળ છે. આ ઉમેદવારોના નામ જોઈએ તો કોંગ્રેસના પ્રતિભા ધાનોરકર ચંદ્રપુર બેઠક પરથી 108168થી આગળ છે. તે જ સમયે બીજેપીની સ્મિતા વાળા પણ જલગાંવ સીટથી 156891 વોટથી આગળ છે. કલ્યાણ સીટ પરથી શિવસેનાના શ્રીકાંત શિંદે 166413 વોટથી આગળ ચાલી રહ્યા છે. મુંબઈ ઉત્તર બેઠક પરથી ભાજપના પીયૂષ ગોયલ 171314થી આગળ છે.

મુંબઈની બેઠકો પર કોણ આગળ?
મુંબઈ ઉત્તર- પીયૂષ ગોયલ 2.6 લાખ બેઠકોથી આગળ છે.
મુંબઈ ઉત્તર મધ્ય- કોંગ્રેસના વર્ષા ગાયકવાડ ભાજપના ઉજ્જવલ નિકમ કરતાં 793 મતોથી આગળ છે.
મુંબઈ નોર્થ ઈસ્ટ- ઉદ્ધવની શિવસેનાના સંજય દિના પાટીલ 25 હજાર મતોથી આગળ છે.
મુંબઈ નોર્થ વેસ્ટ- શિવસેના (UBT)ના અમોલ કીર્તિકર 6 હજાર મતોથી આગળ છે.
મુંબઈ દક્ષિણ- અરવિંદ ગણપત સાવંત 36 હજાર મતોથી આગળ છે (શિવસેના યુબીટી).