સ્વિમર વેનિકા પરીખે 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ડબલ ગોલ્ડ મેડલ જીત્યો

અમદાવાદ : આકર્ષક કૌશલ્ય અને અનેરા જુસ્સા સાથે ગુજરાતની ઉભરતી પ્રતિભા વેનિકા પરીખે દિલ્હીના ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી સ્વિમિંગ પૂલ સંકુલમાં ચાલી રહેલી 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ક્લબ O7, અમદાવાદ ખાતે કોચ અમિત પટેલના માર્ગદર્શન હેઠળ વેનિકાના ઉત્કૃષ્ટ પ્રદર્શને રાષ્ટ્રીય સ્તરે મેડલ જીતી સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

મહિલાઓ માટે 100M બ્રેસ્ટસ્ટ્રોકમાં વેનિકાએ 1 મિનિટ અને 14.99 સેકન્ડના નોંધપાત્ર સમય સાથે આકરી હરીફાઈમાં વિજેતા બની ગુજરાતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. બાદમાં મહિલાઓ માટે 200M બ્રેસ્ટસ્ટ્રોકમાં જીતનો સિલસિલો ચાલુ રાખતાં તેણે 2 મિનિટ અને 43.04 સેકન્ડના સમય સાથે વધુ એક ગોલ્ડ જીત્યો છે. નેશનલ સ્કૂલ ગેમ્સમાં વેનિકાની સફર હજી પૂરી થઈ નથી. હજી તે અંતિમ ઇવેન્ટ 50M બ્રેસ્ટસ્ટ્રોક માટે તૈયારી કરી રહી છે, જે 9મી જાન્યુઆરી, 2024ના રોજ ગેમ્સના છેલ્લા દિવસે યોજાશે.

નેશનલ સ્કૂલ ગેમ્સમાં વેનિકાની આ પહેલી જીત નથી. ગયા વર્ષે યોજાયેલી 66મી એડિશનમાં પણ તેણે ઉમદા પ્રદર્શન સાથે ઈન્ડિવિઝ્યુઅલ ઈવેન્ટ્સમાં પ્રભાવશાળી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તેમજ રિલે ઇવેન્ટમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે ટીમની સફળતામાં ફાળો આપ્યો હતો. નોંધનીય છે કે, સ્કૂલ ગેમ્સની સ્વિમિંગ ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી તે ગુજરાતમાંથી એકમાત્ર મહિલા પ્રતિસ્પર્ધી હતી અને તમામ ગેમ્સમાં ગુજરાતની ટોચની ઈન્ડિવિઝ્યુઅલ પરફોર્મર રહી હતી. ગુજરાત ગયા વર્ષે નેશલ્સ ગેમ્સમાં મેડલ જીતનાર રાજ્યોની યાદીમાં છઠ્ઠા ક્રમે હતું.

રાષ્ટ્રીય સરહદોને ઓળંગી વેનિકાએ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાયેલી BRICS ગેમ્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. જ્યાં પાંચ BRICS દેશોના રમતવીરોએ ભાગ લીધો હતો. 18-21 ઓક્ટોબર દરમિયાન યોજાનારી BRICS ગેમ્સમાં તેનું પર્ફોર્મન્સ વૈશ્વિક સ્તરે સ્પોર્ટ્સ પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વેનિકા તેની આગામી 50M બ્રેસ્ટસ્ટ્રોક ઇવેન્ટમાં સફળતા મેળવે તેવી શુભકામનાઓ શહેર અને રાજ્ય પાઠવી રહ્યું છે, જે માત્ર તેની જીતની જ નહીં પરંતુ તેના સમર્પણ અને યોગદાનને પણ બિરદાવે છે.