શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ આતંકવાદીઓ સામે એક નિર્ણાયક અને સફળ ઓપરેશન હાથ ધર્યું છે. થોડા દિવસો પહેલા જ કુલગામના અખરાન વિસ્તારમાં સીઆરપીએફ (CRPF)ની ચોકી પર થયેલા ઘાતક હુમલાનો બદલો લેતા સુરક્ષાદળોએ સોમવારે એક ભીષણ એન્કાઉન્ટરમાં વોન્ટેડ લશ્કર-એ-તૈયબા (LeT)ના ઓપરેટીવ સહિત બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ સફળતાથી સુરક્ષાદળોને મોટી રાહત મળી છે.
ગત ૧૧ નવેમ્બરે મોટરસાયકલ પર સવાર થઈને આવેલા આતંકવાદીઓએ મીર બજાર પાસે આવેલા સીઆરપીએફના ચેકપોઈન્ટ પર અંધાધૂંધ ગોળીબારી કરી હતી, જેમાં ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કાયરતાપૂર્ણ હુમલા બાદ સૈન્ય, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા દક્ષિણ કાશ્મીરમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગુપ્ત બાતમીના આધારે પોલીસે લારૂ વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી, જ્યાં આતંકવાદીઓ સાથે મુઠભેર શરૂ થઈ હતી.
આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, જેઓ તાજેતરના સીઆરપીએફ પરના હુમલા અને અન્ય ગંભીર આતંકવાદી ગુનાઓમાં સંડોવાયેલા હોવાની શંકા છે. ઘટનાસ્થળેથી હથિયારો અને વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ સફળ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને સુરક્ષાદળો દ્વારા અન્ય છુપાયેલા આતંકવાદીઓની શોધખોળ માટે સઘન તપાસ અભિયાન ચાલુ છે.






