PM નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ફિલિપાઈન્સ પ્રવાસે સોમવારે રાજધાની મનીલા પહોંચ્યા હતા. અહીં મનીલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન PM મોદી 23મી આસિયાન-ભારત સમિટ અને 21મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ દક્ષિણ-પૂર્વ અને પૂર્વ એશિયાના દેશો સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

આસિયાન દેશો ભારતની એક્ટ ઈસ્ટ નીતિના કેન્દ્રમાં: PM મોદી
મનીલા જવા રવાના થતાં પહેલાં PM મોદીએ જણાવ્યું હતું કે આસિયાન દેશો સાથેના સંબંધો ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિના કેન્દ્રમાં છે. એટલું જ નહીં, ભારતના ‘મહાસાગર’ વિઝનમાં પણ આ દેશોનું મહત્ત્વનું સ્થાન છે.
મોદીએ પોતાના પ્રસ્થાન નિવેદનમાં કહ્યું હતું કે તેઓ આસિયાન-ભારત સમિટમાં અન્ય દેશોના નેતાઓ સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ થયેલી પ્રગતિને આગળ વધારવા આતુર છે. આ ઉપરાંત વિકાસ, કનેક્ટિવિટી અને સમૃદ્ધિ સાથે જોડાયેલી સહિયારી આકાંક્ષાઓને નવી ગતિ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ‘મહાસાગર’નું પૂરું નામ ‘મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યોરિટી એન્ડ ગ્રોથ એક્રોસ રિજન’ છે. આ ભારતનું વિસ્તૃત વૈશ્વિક દરિયાઈ વિઝન છે, જેનો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રોમાં સુરક્ષા અને વિકાસ માટે સહયોગ વધારવાનો છે.
આસિયાનમાં 11 સભ્ય દેશોનો સમાવેશ
વર્ષ 1967માં સ્થાપિત આસિયાન દક્ષિણ-પૂર્વ એશિયાનું મહત્ત્વનું પ્રાદેશિક સંગઠન છે. તેમાં કુલ 11 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. જેમાં બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, તિમોર-લેસ્તે અને વિયેતનામ સામેલ છે.
ભારત ઉપરાંત અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશો આસિયાનના સંવાદ ભાગીદાર છે. PM મોદીના આ પ્રવાસથી ભારત અને આસિયાન દેશો વચ્ચે વેપાર, સુરક્ષા, કનેક્ટિવિટી અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા થવાની અપેક્ષા છે.






