અમદાવાદ: 26મી મેના રોજ અદાણી પોર્ટસ મુંદ્રા ખાતે સૌથી મોટું જહાજ MSC Anna લાંગરવામાં આવ્યું. ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના (APSEZ) ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. આ ઘટના મુંદ્રા પોર્ટ જ નહીં, પરંતુ દેશના દરિયાઈ ઉદ્યોગ માટે પણ સીમાચિહ્નરૂપ છે. MSC Annaની એકંદર લંબાઈ 399.98 મીટર એટલે કે લગભગ ચાર ફૂટબોલ મેદાન જેટલી લંબાઈ છે. તે 19,200 TEUs (કન્ટેનર)ની મહાકાય ક્ષમતા ધરાવે છે.એક ભારતીય બંદર પર અત્યાર સુધીમાં લાંગરવામાં આવેલ સૌથી મોટું કન્ટેનર જહાજ છે. તેનો ડ્રાફ્ટ 16.3 મીટર છે, જેને ફક્ત મુન્દ્રામાં જ સમાવી શકાય છે. કારણ કે ભારતમાં અન્ય કોઈ બંદર ડીપ-ડ્રાફ્ટ જહાજને લાંગરવા માટે સક્ષમ નથી. તેના મુંદરા પોર્ટ પર રોકાણ દરમિયાન આ જહાજ અંદાજે 12,500 TEUs કન્ટેનરો એક્સ્ચેન્જ કરશે, જે મુંદ્રા પોર્ટના મોટાપાયે કાર્ગોનું કાર્યક્ષમ સંચાલન કરવાની ક્ષમતા દર્શાવે છે.જુલાઈ 2023માં મુન્દ્રા પોર્ટ પર વિશ્વનું સૌથી લાંબા કન્ટેનર જહાજોમાંનું એક MV MSC હેમ્બર્ગ લાંગરીને રેકોર્ડ બનાવ્યો હતો. તેનાથી વિશ્વના સૌથી મોટા જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા દેખાય છે, અને આજે MSC Annaના આગમન માટેનો માર્ગ મોકળો બન્યો.