નવી દિલ્હીઃ સુદાનના વિદ્રોહી જૂથે જણાવ્યું છે કે દારફુરમાં થયેલા વિનાશકારી ભૂસ્ખલને આખું ગામ ખતમ કરી નાખ્યું છે, જેમાં ઓછામાં ઓછા 1000 લોકોનાં મોત થયાં છે. આ આફ્રિકી દેશમાં ભયાનક કુદરતી આપત્તિઓમાંની એક છે. સુદાન લિબરેશન મુવમેન્ટ-આર્મીએ એક નિવેદનમાં કહ્યું કે આ દુર્ઘટના ઓગસ્ટના અંતે અનેક દિવસોની ભારે વરસાદ પછી મધ્ય દારફુરના મર્રાહ પર્વતોમાં આવેલા તરાસિન ગામમાં રવિવારે થઈ હતી.
ગામના બધા લોકોનાં મોત
પ્રાથમિક માહિતી અનુસાર ગામના બધા રહેવાસીઓનાં મોત થયાં છે, જેમની સંખ્યા 1000થી વધુ હોવાનું માનવામાં આવે છે. માત્ર એક વ્યક્તિ જ બચી શકી છે. જૂથે જણાવ્યું કે ગામ પૂરેપૂરું જમીનદોસ્ત થઈ ગયું છે અને લાશોને બહાર કાઢવા માટે સંયુક્ત રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય સહાયતા જૂથોને મદદ માટે અપીલ કરવામાં આવી છે.
વિદ્રોહી જૂથે જણાવ્યું કે ગામ પૂરેપૂરું દટાઈ ગયું છે અને મૃતદેહોને બહાર કાઢવામાં સહાયતા માટે સંયુક્ત રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય સહાયતા સંગઠનોને અપીલ કરી છે. મર્રાહ પર્વત સમાચાર એજન્સી દ્વારા જારી કરેલા ફોટાઓમાં પર્વતમાળાઓ વચ્ચેનો સમતળ વિસ્તાર દેખાઈ રહ્યો છે, જ્યાં લોકોનો એક સમૂહ શોધખોળ કરી રહ્યો છે. આ દુર્ઘટના એવા સમયે થઈ છે જ્યારે સુદાનમાં વિનાશકારી ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. દેશની સેના અને અર્ધસૈનિક- રેપિડ સપોર્ટ ફોર્સિઝ (RSF) વચ્ચે એપ્રિલ, 2023થી રાજધાની ખાર્ટૂમ અને અન્ય વિસ્તારોમાં ખુલ્લી લડાઈ ચાલી રહી છે.
મર્રાહ પર્વત સહિત દારફુર વિસ્તાર દુર્ગમ
મર્રાહ પર્વત સહિત દારફુર વિસ્તારનો મોટો ભાગ સેના અને RSF વચ્ચેની લડાઈ અને પ્રતિબંધોને કારણે સંયુક્ત રાષ્ટ્ર તથા સહાયતા જૂથો માટે લગભગ પ્રતિબંધ લાગી ગયો હતો. મર્રાહ પર્વત વિસ્તારમાં આવેલા સુદાન લિબરેશન મુવમેન્ટ-આર્મી, દારફુર અને કોર્ડોફાન વિસ્તારોમાં સક્રિય અનેક વિદ્રોહી જૂથોમાંનું એક છે. આ જૂથે યુદ્ધમાં કોઈ પક્ષ લીધો નથી. મર્રાહ પર્વત એક ઊબડખાબડ જ્વાળામુખીની શ્રેણી છે જે એલ-ફશરથી 160 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ સુધી ફેલાઈ છે, જે સેના અને આરએસએફ વચ્ચેની લડાઈનું કેન્દ્ર છે. આ વિસ્તાર એલ-ફશર અને તેની આજુબાજુની લડાઈમાંથી ભાગી આવેલા વિસ્થાપિત પરિવારોનું કેન્દ્ર બની ગયો છે.


