જન્માષ્ટમી આવી રહી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અનેક સ્વરૂપમાં પોતાના ભક્તોને રીઝવતા કનૈયાનું એક બાળ સ્વરૂપ પણ છે. ભક્તો એને લાલો કહે છે. આજે પણ એવા ભક્તો છે જે કૃષ્ણભગવાનના બાળ સ્વરૂપ લાલાને પોતાના વહ્લાલાસોયા બાળકની જેમ રાખે છે.
લાલો અમારા ઘરની ધડકન છે
બાળપણથી જ જે લાલા સાથે મોટા થયા છે એ પૂર્વેશ પટેલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, અમારા ઘરમાં બધા પછી પહેલા લાલો. હું નાનો હતો ત્યારે મારા દાદીમાં લાલાની પૂજા કરતા પછી મારા મમ્મી કરતા અને હવે મારા પત્ની પણ કરે છે.
લાલા પ્રત્યે લાગણી વ્યક્ત કરતા પૂર્વેશ ભાઈ કહે છે કે, પૂજા કોઈ પણ કરે, પરંતુ લાલાના મંદિરની સજાવટ કરવાનું કામ મારું. અને એમાં પણ જન્માષ્ટમીના દિવસે તો અમે આખુય ઘર સજાવીએ. લાલો અમારા ઘરની ધડકન છે. અમે બધા લાલા સાથે એવી રીતે જોડાઈ ગયા છીએ કે અમને તો એમ લાગતુ જ નથી કે આ જગતનો નાથ છે. લાલો અમારા માટે તો અમારુ બાળક છે. ભગવાન પણ બાળક હોઈ શકે એ લાલાને જોયા પછી જ ખબર પડે.
ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જ રહે છે
હું તો આ વર્ષે જ લાલાને લાવી છું પણ લાગે છે ભવોભવની લાગણીઓ જોડાઈ છે એની સાથે. આ શબ્દો છે અમદાવાદના નીલમ દવેના. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, લાલાનું બાળ સ્વરૂપ મારા ઘરે છે. મારા પતિને કેન્સર છે પણ લાલાનો પ્રભાવ એવો છે કે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જ રહે છે.
વધુમાં નીલમ બહેન કહે છે, મારા દિકરાઓ કોઈ પણ વસ્તુ લાવે તો કહે મમ્મી પહેલા લાલાને આપ. લાલો તો અમારા હૈયાનો હાર છે. એ ભગવાન છે છતા પણ અમને તો જાણે અમારા પરિવારનું નાનું બાળક હોય એમ લાગે છે. આખો દિવસ એની પાછળ અને એના કામમાં જાય છે. લાલાને ઉઠાડવાનો, નાસ્તો કરાવવો, જમવાનું આપવું. જેમ નાના બાળક પાછળ દિવસ જાય એવી જ રીતે લાલા પાછળ સમય જાય. છતા એક ઔલોકિક શાંતિ અનુભવાય. કાલે તો મારા લાલાની બર્થડે છે. એની માટે મારા દિકરા સરપ્રાઈઝ ગીફ્ટ લાવ્યા છે. ચાંદીની વાંસળી અને જળ ભરવા માટે ચાંદીની જાળી લાવ્યા છે. અમારા માટે આ જન્માષ્ટમી ખાસ છે કારણ કે પહેલી વાર મારો લાલો ઘરે આવ્યો છે.
રીસાઇ જાય ત્યારે વાઘા પહેરવામાં નાટક કરે મારો લાલો
વર્ષોથી લાલાને રાખતા પાયલ ગજ્જર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “લાલો બધા માટે ભગવાન છે પણ મારા માટે તો બાળક છે. એ ભગવાનનું સ્વરૂપ છે એમાં કોઇ બે મત નથી, પરંતુ અમારા સબંધ એનાથી પણ પર છે. જ્યારે મે લાલાને લાવવાનો વિચાર કર્યો હતો. ત્યારે મને લાગતુ હતુ કે હું કેવી રીતે લાલાને રાખીશ મારાથી કોઇ ભુલ તો નહી થઇ જાય ને ? પણ જ્યારે લાલો મારા ઘરે આવ્યો ત્યારે મારી દરેક મુશ્કેલી દુર થઇ ગઇ, મારી સવાર લાલાની સાથે જ થાય છે. એને સ્નાન કરાવવું, વાઘા પહેરાવવા, શણગાર કરવો પુજા કરવી, નાસ્તો કરાવવાથી લઇને રાત્રે સુતા સમય સુધી બાળકની જેમ જ હું એની દેખરેખ રાખું છું. અને હા મારે જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે લાલાને મારી મમ્મીના ઘરે મુકીને જઉં છું.
પાયલ વધુમાં કહે છે, કોઇ પણ તહેવાર આવે, લાલા માટે દરેક વસ્તુ આવી જ જાય છે. હોળી હોય તો એ મારી સાથે પીચકારી રમે, ઉતરાયણ હોય તો પતંગ ચગાવે, નવરાત્રીમાં રાસ રમે, ખાસ ઉજવણી એના જન્મ દિવસની થાય. જન્માષ્ટમીના દિવસે મારા ઘરે બહુ મોટો ઉત્સવ થાય છે. અમારા ઘરમાં કોઇ પણ બિમાર હોય તો લાલાના હાવભાવ પણ બદલાઇ જાય છે. જ્યારે એ રીસાઇ જાય ત્યારે વાઘા પહેરવામાં નાટક કરે, વાંસળી હાથમાંથી પાડી નાંખે ત્યારે અમને ખબર પડી જાય કે આજે લાલો રીસાયો છે.
ઘણા ભક્તો એવા પણ છે જેમના ઘરે લાલજી માટે અલગ રૂમ, ફ્રીજ, એસી, તીજોરી જેવી વ્યવસ્થા કરવામાં આવે છે. જેનો ઉપયોગ માત્ર લાલજી માટે જ કરાય છે. કદાચ આવી વાતો માન્યામાં ના આવે પણ લાલજી માટે પોતાનું બધુ ન્યોછાવર કરનાર ભક્તો આજે પણ છે. કદાચ આ જ કારણે આજે પણ સૈકાઓ પછી દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ પુથ્વી પર અવતરે છે જેનો ઉત્સવ આખુ વિશ્વ મનાવે છે. માટે જ ભગવાનનું બાળ સ્વરૂપ લાલો આજે પારણે ઝુલે છે.
હેતલ રાવ
પ્રજ્ઞેશ વ્યાસ