આઈપીએલ 2026 ની 25 April ના રોજ રમાયેલી મેચમાં કેએલ રાહુલે ઐતિહાસિક પ્રદર્શન કરતા પંજાબ કિંગ્સ સામે 152 રન બનાવ્યા છે. રાહુલ હવે આઈપીએલમાં 150 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. પોતાની આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન તેણે 16 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર પ્રદર્શન સાથે રાહુલે આ સિઝનમાં ઓરેન્જ કેપ પર પણ કબજો જમાવી લીધો છે.

મેચની શરૂઆત કેએલ રાહુલ માટે થોડી નસીબદાર રહી હતી, કારણ કે જ્યારે તે માત્ર 10 રનના વ્યક્તિગત સ્કોર પર હતો ત્યારે પંજાબ કિંગ્સના ફિલ્ડરોએ તેને જીવનદાન આપ્યું હતું. આ ભૂલ પંજાબને એટલી ભારે પડી કે રાહુલે ત્યારબાદ મેદાનના ખૂણે ખૂણે રનનો વરસાદ કર્યો હતો. તેણે માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી અને ત્યારબાદ વધુ આક્રમક બનીને માત્ર 67 બોલમાં 152 રન બનાવી દીધા હતા. રાહુલની બેટિંગ જોઈને પંજાબના બોલરો પાસે કોઈ જવાબ નહોતો અને આખી ઇનિંગ દરમિયાન દિલ્હીનો આ બેટ્સમેન પંજાબ પર કહેર બનીને તૂટી પડ્યો હતો.
આ ઈનિંગ સાથે કેએલ રાહુલે ઘણા મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. તે હવે આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી 150 રનના આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. આ ઉપરાંત, રાહુલે આઈપીએલમાં પોતાની છઠ્ઠી સદી ફટકારી છે, જે આ સિઝનની તેની પ્રથમ સદી છે. ખાસ વાત એ છે કે કેએલ રાહુલે અત્યાર સુધી ત્રણ અલગ-અલગ ટીમો (પંજાબ કિંગ્સ, LSG અને દિલ્હી કેપિટલ્સ) માટે સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે.
રેકોર્ડ્સનો સિલસિલો અહીં જ નથી અટકતો, કેએલ રાહુલે વિકેટકીપર બેટ્સમેન તરીકે આઈપીએલમાં પોતાની ત્રીજી સદી નોંધાવી છે. આ સાથે તે હવે ક્વિન્ટન ડી કોક અને સંજુ સેમસન જેવા દિગ્ગજ વિકેટકીપરોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમણે વિકેટકીપર તરીકે 3 સદી ફટકારી છે. રાહુલની આ બેટિંગને કારણે દિલ્હી કેપિટલ્સ પંજાબ સામે વિશાળ સ્કોર ખડો કરવામાં સફળ રહી હતી. સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકો રાહુલના દરેક શૉટ પર ઝૂમી ઉઠ્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ ‘રાહુલ નામ તો સુના હોગા’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
આ શાનદાર 152 રનની ઈનિંગના દમ પર કેએલ રાહુલે આઈપીએલ 2026 માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનીને ‘ઓરેન્જ કેપ’ (Orange Cap) પણ પોતાના નામે કરી લીધી છે. હાલમાં તે 351 રન સાથે રન બનાવવાની યાદીમાં ટોચ પર છે. પંજાબ કિંગ્સના બોલરો માટે આ એક એવો દિવસ હતો જેને તેઓ કદાચ જલ્દી ભૂલી જવા માંગશે, કારણ કે રાહુલના બેટમાંથી નીકળેલા 16 ચોગ્ગા અને 9 છગ્ગાએ તેમની લાઇન અને લેન્થ સંપૂર્ણપણે બગાડી નાખી હતી. ક્રિકેટના નિષ્ણાતો રાહુલની આ ઈનિંગને આઈપીએલના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સમાંની એક ગણાવી રહ્યા છે.




