‘ઝરૂખો ‘પોતાના સાહિત્યિક કાર્યક્રમોની વિવિધતા માટે જાણીતો છે. મુંબઈના બોરિવલી ખાતે ‘ઝરૂખો’ કાર્યક્રમમાં વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ થતી હોય છે. આ વખતે કાર્યક્રમમાં ‘આકાશવાણીનું આ મુંબઈ કેન્દ્ર છે …’ વિષય પર વાત થશે.
7 સપ્ટેમ્બરે આયોજિત ઝરુખો કાર્યક્રમમાં આ વખતે એક રસપ્રદ વિષય પર વાત થવાની છે. કવિ કિરીટ બારોટ અને લેખિકા અભિનેત્રી એવાં હર્ષા જગદીશ ‘ઝરૂખો’માં પોતાના રેડિયો સાથેનાં દાયકાઓનાં સંસ્મરણો વાગોળશે અને સાથે સાથે પોતાના સર્જનની પણ વાત કરશે. આ કાર્યક્રમને નામ અપાયું છે ‘આકાશવાણીનું આ મુંબઈ કેન્દ્ર છે….’!
કિરીટ બારોટ આકાશવાણીના એક વરિષ્ઠ અધિકારી છે, જેમણે 35 વર્ષ સુધી રેડિયો પર પ્રોડ્યુસર તરીકે કામ કર્યું અને આસિસ્ટન્ટ સ્ટેશન ડિરેક્ટર તરીકે 12 વર્ષ કામ કર્યું. શબ્દાંકુર એમનો કાવ્યસંગ્રહ છે. હર્ષા જગદીશે મહિલા મંડળ, યુવવાણી, બહુરૂપી જેવા કાર્યક્રમો દ્વારા શ્રોતાઓ સાથે એક સેતુ બનાવ્યો ત્યારબાદ 25 વર્ષ ગુજરાતી તથા હિન્દી તખ્તા પર પણ એમણે કામ કર્યું અને હાલમાં સીરીયલ રાઇટર તરીકે સક્રિય છે. કહાની ઘર ઘર કી, કુમકુમ, કસમ સે, સાત ફેરે, ક્રિષ્નાબેન ખાખરાવાલા, છૂટાછેડા …આવી અનેક સિરિયલો એમણે લખી છે.
આકાશવાણીના પોતાના કાર્યક્ષેત્રને કારણે કવિ, લેખક, પત્રકાર, તંત્રી, કલાકાર, દિગ્દર્શક, સંગીતકાર, શિક્ષણશાસ્ત્રી, વિદ્યાર્થીઓ જેવા સમાજની વિવિધ પ્રતિભાઓના સંપર્કમાં તેઓ રહ્યાં.
7 સપ્ટેમ્બર રવિવારે સાંજે વાડા સાત વાગ્યે, સાંઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમ ખાતે કાર્યક્રમનું આયોજન થવાનું છે. કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા સંભાળશે. ઈચ્છુક દરેક કલાપ્રેમી આ જાહેર કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.
