ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડઃ આરોપી કાર્તિક પટેલનાં રિમાન્ડ મંજૂર 

અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ PMJAY કૌભાંડ  મામલે આરોપી કાર્તિક પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્ત્વનાં 8 મુદ્દે 14 દિવસનાં રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટે આરોપી કાર્તિક પટેલના  11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. નિમેશ ડોડિયા નામના આરોપી સાથે કાર્તિકે મળીને બનાવેલા PMJAY કાર્ડની માહિતી માટે રિમાન્ડની માગ કરવામાં આવ્યા હતી.

ક્રાઇમ બ્રાન્ચે કહ્યું હતું કે કાર્તિક પટેલે અન્ય હોસ્પિટલમાંથી પણ કમિશનની લાલચ આપીને 50થી વધુ વયના દર્દીઓને લાવવા માટે કયા-કયા ડૉક્ટર્સના સંપર્કમાં હતો એ બાબતે તપાસ જરૂરી છે. આરોપી કાર્તિક પટેલ દ્વારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં PMJAY કાર્ડ બનાવવા મામલે સંડોવણી છે કે કેમ? તે અંગે પણ પૂછપરછ જરૂરી છે.

કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે કહ્યું હતું કે PMJAY યોજના સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓ સાથે સંડોવણી છે કે કેમ? તે અંગે આરોપીને હાજર રાખી તપાસ માટે રિમાન્ડ જરૂરી છે. ખ્યાતિકાંડ  એક સિસ્ટમેટિક અને ઇકોનોમિક કૌભાંડ હોવાથી સુનિયોજિત ગુનાની તપાસ માટે આરોપીની તપાસ જરૂરી છે. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી કાર્તિક પટેલના 11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.