કંગનાની ‘ઈમરજન્સી’ ફિલ્મ ફાઈનલી આ તારીખે થશે રિલીઝ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અને મંડી સાંસદ કંગના રનૌતે સોમવારે તેના ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા. તેની આગામી ફિલ્મ ઈમરજન્સીને આખરે રિલીઝ ડેટ મળી ગઈ છે. નોંધનીય છે કે કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીને 17 ઓક્ટોબરે સેન્સર બોર્ડ તરફથી ક્લીનચીટ મળી હતી.

અભિનેત્રી કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા માહિતી આપી હતી કે તેની ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે. ત્યારથી ફિલ્મની રિલીઝ ડેટની રાહ જોવાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે ઈન્દિરા ગાંધીની બાયોપિક 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ સેન્સર બોર્ડ સાથેના તેમના સંઘર્ષ અને કોર્ટ કેસના કારણે આ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી.

હવે ઈમરજન્સી 17 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. કંગનાની ફિલ્મ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી હતી. શીખ સંગઠનોના વિરોધ બાદ ઈમરજન્સી રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. ધાર્મિક જૂથનો આરોપ છે કે ફિલ્મે તેમના સમાજની ખોટી છબી રજૂ કરી છે. આ ફિલ્મનું ટ્રેલર 14 ઓગસ્ટે રિલીઝ થયું હતું અને ત્યારથી ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો હતો.

પંજાબમાં ફિલ્મના વિરોધમાં દેખાવો થયા હતા અને પ્રતિબંધની માંગણી કરવામાં આવી હતી. સીબીએફસીએ પહેલા ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું હતું, પરંતુ જ્યારે શીખ સમુદાયનો ગુસ્સો સામે આવ્યો ત્યારે જોવા મળ્યું કે લોકો વિરોધમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટ પહોંચ્યા, ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે મેકર્સને સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. હજુ સુધી મધ્યપ્રદેશ હાઈકોર્ટે સીબીએફસીને પ્રમાણપત્ર આપતા પહેલા શીખોના વાંધાઓ પર વિચાર કરવાનો આદેશ આપ્યો હતો.

બીજી તરફ મેકર્સે પણ કોર્ટનો સંપર્ક કર્યો છે. જ્યારે ફિલ્મને સર્ટિફિકેટ ન મળ્યું તો તેણે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. સીબીએફસીએ એક રિવાઇઝિંગ કમિટીની રચના કરી હતી, જેણે ફિલ્મમાં કંગનાને ફેરફાર સૂચવ્યા હતા. મળતી માહિતી મુજબ સેન્સર બોર્ડે સર્ટિફિકેટ પાસ કરવા માટે શરતો રાખી હતી. તેમને ફિલ્મના કેટલાક સીન સામે વાંધો હતો. નિર્માતાઓને તેમની ફિલ્મમાં ફેરફાર કરવા અને ઐતિહાસિક મુદ્દાઓ પર ડિસ્ક્લેમર મૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

કંગના રનૌત ફિલ્મ ‘ઇમરજન્સી’માં ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. અભિનયની સાથે તેણે આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ પણ કર્યું છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે અને મહિમા ચૌધરી જેવા ઘણા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘ઇમરજન્સી’ 17 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.