નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમે મંગળવારે ચીનના મોકીમાં જાપાનને 7-0થી હરાવીને મહિલા જુનિયર એશિયા કપના ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમની આ સતત ત્રીજી જીત છે. આ પહેલાં ભારતે મલેશિયાને 11-1 અને દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું હતું.

પ્રથમ ક્વાર્ટરમાં ત્રણ ગોલ
ભારતે પ્રથમ ક્વાર્ટરમાં ત્રણ ગોલ કર્યા હતા. પાંચમી મિનિટે કૃષ્ણા શર્માએ ગોલ કરીને ભારતીય ટીમનું ખાતું ખોલ્યું. ત્યાર બાદ નવમી મિનિટે સુપ્રિયાએ ગોલ કરીને ભારતની લીડ બમણી કરી. પૂર્ણિમા યાદવે 14મી મિનિટે ગોલ કરીને પ્રથમ ક્વાર્ટર પૂર્ણ થાય તે પહેલાં ભારતને 3-0થી આગળ કરી દીધું હતું.
બીજા ક્વાર્ટરમાં એક પણ ગોલ નહીં
બીજા ક્વાર્ટરમાં એક પણ ગોલ થયો નહોતો. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે બે ગોલ કરીને સ્કોર 5-0 કરી દીધો. આ ક્વાર્ટરમાં ગીતાં યાદવે 41મી મિનિટે ગોલ કર્યો હતો. ત્યાર બાદ 45મી મિનિટે ગીતા યાદવે ફરી ગોલ કરીને ભારતની લીડ વધુ મજબૂત કરી હતી.
𝗤𝗨𝗔𝗥𝗧𝗘𝗥-𝗙𝗜𝗡𝗔𝗟 𝗕𝗢𝗨𝗡𝗗 🇮🇳🔥
The Indian Junior Women’s Team seals a commanding 7-0 win over Japan and books its place in the Quarter-final of the AHF Junior Asia Cup 2026! 🏑🇮🇳#HockeyIndia #IndiaKaGame #JuniorAsiaCup pic.twitter.com/g0NNfH3qF0
— Hockey India (@TheHockeyIndia) September 8, 2026
ચોથા ક્વાર્ટરમાં વધુ બે ગોલ
ચોથા ક્વાર્ટરમાં પૂર્ણિમા યાદવે 46મી મિનિટે ગોલ કર્યો. ત્યાર બાદ સનિકા ચંદ્રકાંત માણેએ 50મી મિનિટે ગોલ કરીને ભારતની લીડ 7-0 કરી દીધી હતી. છેલ્લી દસ મિનિટમાં જાપાનની ટીમે થોડો સંઘર્ષ દર્શાવ્યો હતો, પરંતુ તે એક પણ ગોલ કરવામાં સફળ રહી નહોતી. જોકે, તેણે ભારતીય ટીમને વધુ ગોલ કરતાં રોકી હતી.
જુનિયર મહિલા એશિયા કપ 2026માં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોને પાંચ-પાંચના જૂથમાં એલીટ પૂલ અને ચેલેન્જર પૂલમાં વહેંચવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ એલિટ પૂલમાં છે. એલિટ પૂલમાં ભારત ઉપરાંત ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયાની ટીમો છે. પુલ-એમાં ભારતનો આગામી મુકાબલો 9 સપ્ટેમ્બર 2026એ ચીન સામે થશે. જ્યારે ચેલેન્જર પૂલમાં ચાઇનીઝ તાઇપેઈ, હોંગકોંગ, બાંગ્લાદેશ, કઝાકિસ્તાન અને પાકિસ્તાનની ટીમો સામેલ છે.




