રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જો બાઈડન અચાનક પહોંચ્યા કિવ

યુએસ પ્રમુખ જો બાઈડન સોમવારે યુક્રેનની મુલાકાતે પહોંચ્યા હતા. તેણે યુક્રેનની રાજધાની કિવની અચાનક મુલાકાત લઈને સૌને ચોંકાવી દીધા હતા. બાઈડન કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળ્યા હતા. અહેવાલ મુજબ જો બાઈડને કિવની મુલાકાત દરમિયાન યુક્રેનને $500 મિલિયનની વધારાની લશ્કરી સહાયની જાહેરાત કરી છે.

https://twitter.com/ANI/status/1627638069288640513

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારબાદ બંને વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે.

જો બાઈડનની યુક્રેનની મુલાકાત

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પ્રથમ વખત કિવની મુલાકાતે આવ્યા છે. બાઈડનના આ પ્રવાસે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી 21 ડિસેમ્બરે વોશિંગ્ટન ડીસીની તેમની ઐતિહાસિક મુલાકાત દરમિયાન બાઈડન ને મળ્યા હતા, જે ફેબ્રુઆરી 2022 પછી રાષ્ટ્રપતિની પ્રથમ વિદેશ યાત્રા હતી.

યુક્રેનને $500 મિલિયન લશ્કરી સહાય

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની યુક્રેનની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમેરિકા યુક્રેનને આધુનિક હથિયારો, મિસાઈલ અને સાધનો દ્વારા સતત સૈન્ય મદદ કરી રહ્યું છે. જો બાઈડને અનેક અવસરો પર જાહેરાત કરી છે કે તેઓ દરેક કિંમતે યુક્રેનની સાથે ઉભા રહેશે. હાલમાં બાઈડનની કિવ મુલાકાતને કારણે યુક્રેનનો આત્મવિશ્વાસ વધુ વધ્યો છે. 500 મિલિયન ડોલરની વધારાની સૈન્ય સહાયની જાહેરાત બાદ યુક્રેનને રશિયા સામેની લડાઈમાં વધુ મદદ મળશે.

બાઈડન પોલેન્ડના રાષ્ટ્રપતિને પણ મળશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પોલેન્ડ જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમના કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના આક્રમણને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા બાઈડન 20-22 ફેબ્રુઆરી દરમિયાન પોલેન્ડની મુલાકાત લેશે. જો બાઈડન યુક્રેન માટે દ્વિપક્ષીય સહયોગ અને સમર્થન અંગે ચર્ચા કરવા પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે મુલાકાત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ પૂર્વ યુરોપીયન નાટો સહયોગીઓના સમૂહ બુકારેસ્ટ નાઈન (B9)ના નેતાઓ સાથે પણ વાતચીત કરશે.