મહેસાણા : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરરોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારથી વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ગુજરાતમાં તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે હવે ગુજરાતની ચૂંટણીને લઈને માહિતી મળી રહી છે કે લોકગાયક જીગ્નેશ કવિરાજ પણ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. એટલે કે તે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે.
જીગ્નેશ બારોટ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે આ બધાની વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે લોક ગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જીગ્નેશ બારોટ ખેરાલુ બેઠક પર અપક્ષ બેઠક પર ચૂંટણી લડી શકે છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે લોક ગાયક જીગ્નેશ કવિરાજનું મૂળ વતન ખેરાલુ છે અને તેઓ હાલમાં કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી.
જીગ્નેશ કવિરાજ સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ
ઉલ્લેખનિય છે કે જીગ્નેશ બારોટનો જન્મ 3 સપ્ટેમ્બર 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીતક્ષેત્રે ખૂબ જ રસ હતો. જીગ્નેશ કવિરાજે ધોરણ 8 સુધી જ અભ્યાસ કરેલો છે. તેઓએ પોતાની કળા થકી ખૂબ જ નામ મેળવ્યું છે. આજે જીગ્નેશ કવિરાજનું નામ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં ખ્યાતી પામેલ છે. લોકો તેમને અને તેમના ગીતને ખુબ જ પસંદ કરે છે.