નવી દિલ્હી: કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં આવતા જ ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપરાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. સરકારના આ પ્રસ્તાવને હવે ઉપરાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી છે. ઓમર અબ્દુલ્લા કેબિનેટે આ પ્રસ્તાવને 17મી ઓક્ટોબરના રોજ જ મંજૂરી આપી દીધી હતી. ઉપરાજ્યપાલ દ્વારા 19મી ઓક્ટોબર તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. જો કે, આ અંગે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે.મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો એ એક પ્રક્રિયાની શરૂઆત હશે. જેનાથી જમ્મુ-કાશ્મીરના લોકોના બંધારણીય અધિકારોને પુનઃ પ્રાપ્ત કરી શકાશે અને તેમની ઓળખની રક્ષા કરી શકાશે.”