અમદાવાદ: જૈન ધર્મનો મહાપર્વ પર્યુષણ ચાલી રહ્યો છે. જેને જૈનોના જુદા-જુદા સંધ, ઉપાશ્રય, દેરાસર પરંપરા મુજબ ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યા છે. 4 સપ્ટેમ્બરને બુધવારે મહાવીર જન્મ વાંચનના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે દેરાસરોમાં આંગી શણગારનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના શ્રીઋષભદેવ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મીરામ્બિકા, નારણપુરામાં ઉપર તથા નીચેના જીનાલયમાં સાચા દેવ શ્રીસુમતિનાથ ભગવાન બિરાજમાન છે. આ જીનાલયમાં છેલ્લા ૨૦ વર્ષથી સંઘના ૪૦ થી ૫૦ યુવાન યુવક યુવતીઓ, સોનાના વરખ, જડતરના ટીકા, રેશમની દોરી તથા સોનેરી – રૂપેરી બાદલાથી પ્રભુજીને ભવ્યાતિભવ્ય અંગ રચનાઓથી સજાવટ કરે છે. આ સાથે પ્રભુજીના જીવન પ્રસંગને લગતી – આબેહૂબ લાગતી ફિગર રંગોળીઓ પણ સંઘની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવે છે.
નારણપુરાના મિરામ્બકા જૈન દેરાસર સંઘના યુવાન વરૂણ શાહ ચિત્રલેખા.કોમને કહે છે અમારી આખી ટીમ છે. આંગી શણગારમાં થાઈલેન્ડ, કેન્યા, રોમાનિયાથી ફુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેરાસરને વિવિધ પ્રકારની રંગોળીથી સજાવવામાં આવ્યું હતું.ભગવાનની આંગીમાં મોતી, ડાયમંડ, વરખ, રેશમથી સજાવી દર્શન માટે મુકવામાં આવી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)