અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળી રહ્યા છે. અત્રે જણાવી દઈએ કે, ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ એટલે કે આજે યોજાઈ રહી છે. આજે ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળે છે. 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ઓળખ છે.
લોકોના જય જગન્નાથના નાદ વચ્ચે નગરજનોને દર્શન આપવા ભગવાન રથમાં બિરાજ્યા છે. તો અમદાવાદમાં જગન્નાથ મંદિર પટાંગણમાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે અને બસ એક જ નાદ ગુંજી રહ્યો છે..જય જગન્નાથ… જય જગન્નાથ..
ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવી હતી.સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી હતી.
દરવર્ષે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર નગરચર્યા કરે છે. 3 અલગ અલગ રથમાં ભગવાન પોતે ભાઈ અને બહેન સાથે નીકળે છે. રથયાત્રામાં સૌથી આગળ ભાઇ બલભદ્ર રથમાં સવાર થાય છે. ત્રીજો રથ ભગવાન જગન્નાથના રથને રાખવામાં આવે છે. બંને ભાઈના રથની વચ્ચે બહેન સુભદ્રાના રથને શહેરમાં ફેરવવામાં આવે છે. આ રીતે હાર બંધ ત્રણેયના રથ નગરચર્યાએ નિકળે છે. નગરચર્યાએ નીકળતા અગાઉ ભગવાનની મંગળા આરતી થાય છે. મંગળા આરતી બાદ ભાગવાનના આંખેથી પાટા ખોલવામાં આવે છે. પાટા ખોલ્યા બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામા આવે છે. ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ યોજાય છે. ભગવાનની પહિંદવિધીમાં ગુજરાતના CM પરંપરા મુજબ ભાગ લે છે. પહિંદ વિધિ બાદ ગજરાજની આગેવાનીમાં રથયાત્રા નીકળે છે. રથયાત્રામાં હાથી, અખાડા, ભજન મંડળી અને કરતબબાજો હોય છે. ભક્તોને દર્શન આપ્યા બાદ ભગવાન મામાના ઘરે સરસપુર પહોંચે છે. સરસપુરમાં ભગવાન બપોરે આરામ કર્યા બાદ નીજમંદિર જાય છે. ત્રણેય રથ ખલાસીઓ દ્વારા ખેંચીને શહેરમાં ફેરવવામાં આવે છે. સંધ્યા બાદ ભગવાન જગન્નાથ નીજ મંદીરે પરત ફરે છે
અમદાવાદનું જગન્નાથ મંદિર આશરે 400 વર્ષથી વધુ જુનુ છે. જે સાબરમતી નદી નજીક જમાલપુરમાં જગન્નાથ મંદિર સ્થિત છે. 400 વર્ષ પહેલા હનુમાનદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી. હનુમાનજીદાસ બાદ સારંગદાસજીએ ભગવાન જગન્નાથની મૂર્તિ સ્થાપી હતી. જગન્નાથ સાથે બલભદ્ર અને બહેન સુભદ્રાનું પણ મંદિરમાં સ્થાપન થયું હતું. 145 વર્ષ પહેલા નૃસિંહદાસજી રથયાત્રાની પરંપરા આરંભી હતી. કોરોનાના વર્ષને બાદ કરતા દરવર્ષે રથયાત્રાનું ઉત્સાહથી આયોજન કરાય છે.વર્તમાન સમયમાં દિલિપદાસજી જગન્નાથ મંદિરના મુખ્યમહંત છે. જગન્નાથ મંદિરની રથયાત્રા પુરી બાદ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ગુજરાતમાં સૌથી મોટી અને મહત્વની રથયાત્રાનો રથયાત્રાને દરજ્જો છે. અમદાવાદનું જગન્નાથ મંદિર આજે સમૃદ્ધ મંદીરોમાં સ્થાન પામે છે. જગન્નાથ મંદિરની સેવામાં પોતાના અનેક ગજરાજો પણ છે
ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે. જગન્નાથજીને ભગવાન ઇન્દ્રએ રથ આપ્યો હતો. પીળા વસ્ત્રોથી ભગવાનના રથનો શણગાર થાય છે. ભગવાનના રથને નંદીઘોષ તરીકે ઓળખાય છે. અન્ય 2 રથોની સરખામણીએ ભગવાનનો રથ મોટો રખાય છે. ભગવાનના પરંપરાગત રથમાં 16 પૈડા રાખવામાં આવે છે. બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. તાલવાન દેવતાઓએ બલભદ્રને રથ આપ્યો હતો. બલભદ્રનો રથ 14 પૈડા વાળો અને બહેનના રથથી મોટો બનાવાય છે. સુભદ્રાજીના રથનું નામ દેવદલન અને પદ્માધ્વજ રખાયુ છે. બહેન સુભદ્રાના પરંપરાગત રથમાં 12 પૈડા હોય છે