ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ વધી, જાણો…

નવી દિલ્હીઃ દેશભરમાં કરોડો આવકવેરા ભરનારા ટેક્સપેયર્સ માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT) એ રિટર્ન ભરવાની તારીખમાં વધારો કર્યો છે. CBDT દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે નાણાકીય વર્ષ 2024-25 માટે ITR ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025ના બદલે 15 સપ્ટેમ્બર 2025 કરવામાં આવી છે. ITR ફોર્મ, સિસ્ટમ ડેવલપમેન્ટની જરૂરિયાતો અને TDS ક્રેડિટ રિફ્લેક્શનમાં મહત્વપૂર્ણ ફેરફારોને ધ્યાનમાં લઈને તારીખ આગળ ધપાવવામાં આવી છે.

આવકવેરા વિભાગે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X (જેને પહેલાં ટ્વિટર તરીકે ઓળખવામાં આવતું હતું) પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. આ પોસ્ટમાં લખ્યું હતું કે કૃપા કરીને તમામ ટેક્સપેયર્સ નોંધ લો! CBDT એ ITR દાખલ કરવાની અંતિમ તારીખ વધારવાનો નિર્ણય લીધો છે. હવે તે 31 જુલાઈને બદલે 15 સપ્ટેમ્બર 2025 થઈ ગઈ છે. આ સમય વિસ્તાર ITR ફોર્મ, સિસ્ટમ ડેવલપમેન્ટ અને TDS ક્રેડિટ રિફ્લેક્શનમાં આવનારા મહત્ત્વપૂર્ણ ફેરફારોને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યો છે જેથી ટેક્સપેયર્સ માટે સરળ અને વધુ સચોટ ફાઇલિંગ અનુભવ સુનિશ્ચિત થાય. આ અંગેનું ઔપચારિક નોટિફિકેશન પછી આપવામાં આવશે.

5000 રૂપિયા સુધી દંડ

31 જુલાઈ, 2025ની ITR ફાઇલિંગની છેલ્લી તારીખ છે, જે મોટા ભાગની સામાન્ય કેટેગરીઓ પર લાગુ પડે છે. એમાં મોટા ભાગના પગારધારક કર્મચારીઓ અને તમામ એવા કરદાતાઓનો સમાવેશ થાય છે, જેમના ખાતાઓનું ઓડિટ કરવાની જરૂર નથી. પગારધારક કર્મચારીને તેમનો આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે 46 દિવસ વધારાના મળશે. જો છેલ્લી તારીખ સુધીમાં ITR ફાઇલ નહીં કરવામાં આવે તો રૂ. 5000 સુધીનો દંડ ભરવો પડી શકે છે.