ઈરાન સંકટ: ટ્રમ્પ પ્રશાસને ભારત સરકાર પાસે માગી મદદ

નવી દિલ્હીઃ ઈરાન યુદ્ધ વચ્ચે સુપરપાવર અમેરિકા હવે બેકફૂટ પર આવી ગયું છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં રેકોર્ડ વધારો થતાં અમેરિકાએ ભારતને વિનંતી કરી છે કે તે સમુદ્રી માર્ગે પહેલેથી જ મોકલાયેલું રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી તેને ભારતીય રિફાઇનરીઓ તરફ વાળી દે. તેનો હેતુ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સપ્લાયમાં થનારી સંભાવિત કમી અને કિંમતોમાં વધારા પર નિયંત્રણ રાખવાનો છે. અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ રાઇટે જણાવ્યું હતું કે બજારને સ્થિર રાખવા માટે આ એક અલ્પકાલીન અને વ્યવહારુ પ્રયાસ છે.

 ભારતીય અધિકારીઓ સાથે વાતચીત

રાઇટે જણાવ્યું હતું કે તેમણે નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટ સાથે મળીને ભારતીય અધિકારીઓ સાથે વાત કરી હતી. હેતુ એ હતો કે ચીની રિફાઇનરીઓમાં ઉતારવાની રાહ જોઈ રહેલા રશિયન ક્રૂડ ઓઇલના કાર્ગોને ભારત ખરીદી લે. રાઇટે કહ્યું હતું કે આ મામલે ભારત સારો સહયોગી રહ્યો છે. તેમણે અને સ્કોટ બેસેન્ટે ભારતીય અધિકારીઓને ફોન કરીને કહ્યું હતું કે હાલમાં ઘણું ક્રૂડ ઓઇલ ચીનની રિફાઇનરીઓમાં ઉતારવાનું બાકી છે. ત્યાં તેલ ઉતારવા માટે છ સપ્તાહ સુધી રાહ જોવડાવવાને બદલે ભારત જો ક્રૂડ ઓઇલ ખરીદી પોતાની રિફાઇનરીઓમાં મોકલે તો સંભવિત તેલની કમી, કિંમતોમાં અચાનક વધારો અને બજારમાં ફેલાયેલી ચિંતાઓને ઘટાડવામાં મદદ મળશે.

અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર નથી

રાઇટે એ સાથે ફરી સ્પષ્ટ કર્યું હતું કે રશિયા અંગે અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી અને ભારતને પણ આ બાબતની સંપૂર્ણ સમજ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રશિયન તેલ ખરીદવા માટે ભારતને આપવામાં આવેલી 30 દિવસની છૂટથી ટ્રમ્પ પ્રશાસનનું રશિયાને અલગ પાડવાનું લક્ષ્ય નબળું પડશે, ત્યારે તેમણે કહ્યું કે એવું નથી. આ માત્ર એક વ્યવહારુ અને અસ્થાયી પગલું છે અને તેની અસર પણ ટૂંકા ગાળાની જ છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત માઇક વોલ્ટ્ઝે પણ આ નિર્ણયને સમર્થન આપતાં કહ્યું કે આ એક તાત્કાલિક અને વ્યવહારુ પગલું છે.