IPL 2024 : પ્લેઓફમાં કોલકાતાની એન્ટ્રી! લખનૌને હરાવ્યું

શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) એ હલચલ મચાવી દીધી છે. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 સીઝનના પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. તેણે રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 98 રનથી હરાવીને આ સિદ્ધિ મેળવી હતી.કોલકાતાની ટીમે 11માંથી 8 મેચ જીતી છે. આ સાથે તે હવે રાજસ્થાન રોયલ્સ (RR) ને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ લખનૌની ટીમે અત્યાર સુધી 11માંથી 6 મેચ જીતી છે. આ સાથે આ ટીમ પોઈન્ટ ટેબલમાં એક સ્થાન સરકીને પાંચમા સ્થાને પહોંચી ગઈ છે.

નારાયણ પછી રાણા-ચક્રવર્તીએ પોતાનો જાદુ બતાવ્યો

KKR અને LSG વચ્ચેની આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં કોલકાતાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં લખનૌની ટીમ 16.1 ઓવરમાં 137 રન પર જ સિમિત થઈ ગઈ હતી. લખનૌની ટીમ માટે માર્કસ સ્ટોઈનિસે સૌથી વધુ 36 રન અને કેપ્ટન કેએલ રાહુલે 25 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન 20 રનના આંકડાને સ્પર્શી શક્યો નહોતો. કોલકાતા તરફથી હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે આન્દ્રે રસેલને 2 સફળતા મળી હતી.

સુનીલ-સોલ્ટે જોરદાર ઇનિંગ્સ રમી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 6 વિકેટે 235 રન બનાવ્યા હતા. ઓપનર સુનીલ નારાયણે 27 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે ફિલ સોલ્ટ સાથે બીજી વિકેટ માટે 46 બોલમાં 79 રનની ભાગીદારી કરી હતી. સુનીલ 39 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 7 સિક્સ અને 6 ફોર ફટકારી હતી. જ્યારે સોલ્ટે 14 બોલમાં 32 રન બનાવ્યા હતા. રઘુવંશીએ પણ 32 રન બનાવ્યા હતા. અંતમાં કેપ્ટન શ્રેયસ અય્યરે 15 બોલમાં 23 રન અને રમનદીપ સિંહે 6 બોલમાં 25 રન બનાવ્યા હતા. નવીન ઉલ હકે લખનૌ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું અને 3 વિકેટ લીધી. રવિ બિશ્નોઈ, યશ ઠાકુર અને યુદ્ધવીર સિંહને 1-1 સફળતા મળી.

KKR ટીમ પર લખનૌ ભારે

લખનૌની ટીમ 2022ની સિઝનમાં પ્રવેશી છે. આ તેની માત્ર ત્રીજી સીઝન છે. આવી સ્થિતિમાં, બંને ટીમો વચ્ચે અત્યાર સુધી માત્ર 5 મેચ રમાઈ છે, જેમાં લખનૌએ 3 અને કોલકાતાએ 2 જીતી છે. આ સિઝનમાં બંને વચ્ચે આ બીજી ટક્કર હતી. છેલ્લી મેચમાં પણ કોલકાતાએ 8 વિકેટે પરાજય આપ્યો હતો.