IPL 2023: 7000 રન બનાવ્યા બાદ વિરાટે પોતાના નામે કર્યો વધુ એક મોટો રેકોર્ડ

IPLની 16મી સિઝનમાં વિરાટ કોહલીનું બેટ જોરદાર બોલતું જોવા મળે છે. કોહલીએ દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મેચમાં વધુ એક વિશેષ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. કોહલી હવે IPLમાં એક જ ટીમ સામે 1000 રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે.


વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પોતાના 1000 રન પૂરા કર્યા છે. આ પહેલા આઈપીએલમાં ડેવિડ વોર્નર કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ સામે આ કારનામું કરી ચૂક્યો છે. આ યાદીમાં શિખર ધવનનું નામ પણ સામેલ છે, જેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 1000 રન પૂરા કરવાનું કારનામું કર્યું છે. આ યાદીમાં રોહિત શર્માનું નામ પણ સામેલ છે જેણે કોલકાતા સામે 1000થી વધુ રન બનાવ્યા છે.


વિરાટ કોહલીએ IPLમાં પોતાના 7000 રન પૂરા કર્યા

વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. હવે તે IPL ઈતિહાસમાં 7000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. કોહલીએ પોતાની 225મી ઇનિંગમાં આ સ્થાન હાંસલ કર્યું છે. આ સિવાય કોહલી ડેવિડ વોર્નર બાદ IPLમાં કોઈપણ એક ટીમ સામે 50ની એવરેજથી 1000 રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે.

કોહલીએ આ સિઝનમાં અત્યાર સુધી 10 ઇનિંગ્સમાં 47ની એવરેજથી 376 રન બનાવ્યા છે. આ સિઝનમાં વિરાટ કોહલીના બેટથી 5 અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી છે. વિરાટ કોહલીના નામે IPLમાં 5 સદી અને 50 અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી હતી, જેમાં તેણે 7043 રન બનાવ્યા હતા.