કોરોના લાંબા સમય સુધી રહેશેઃ WHOની દુનિયાના દેશોને ચેતવણી

જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હાહાકાર મચાવી રહેલા જીવલેણ કોરોના વાઈરસ અંગે દુનિયાના દેશોને ચેતવ્યા છે કે કોઈ એવું માનવાની ભૂલ ન કરતા કે આ રોગચાળાનો ટૂંક સમયમાં જ અંત આવી જશે. આ વાઈરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેવાનો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડ્રોસ અધાનોમ ગેબ્રીસસે જણાવ્યું છે કે કોરોનાની બાબતમાં કોઈ ગાફેલ ન રહે અને સાવચેત રહે. ઘણા દેશો આ રોગ સામેની લડાઈમાં આરંભિક તબક્કામાં છે.

ગેબ્રીસસે એમ પણ કહ્યું કે જે દેશો એવું સમજે છે કે તેઓ કોરોના વાઈરસથી મુક્ત થઈ ગયા છે ત્યાં હવે આ બીમારીના કેસો ફરી વધી રહ્યા છે. આફ્રિકા ખંડના દેશો અને અમેરિકામાં આ ચેપના વધી રહેલા કેસો આપણા માટે ચેતવણી સમાન છે.

ડો. ટેડ્રોસે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગઈ 30 જાન્યુઆરીએ, એકદમ યોગ્ય સમયે જ કોરોનાને જાગતિક મહાબીમારી તરીકે ઘોષિત કરી હતી. જેથી દુનિયાના દેશો આયોજન કરી શકે અને આ રોગ સામે લડવા સજ્જ થઈ શકે.

ડો. ટેડ્રોસે કહ્યું કે પશ્ચિમ યુરોપના દેશોમાં પરિસ્થિતિ હવે સ્થિર થઈ છે. એવું જ બીજે પણ થઈ રહ્યું છે, પરંતુ આ જ દેશોમાં નવા કેસ વધવાનું પણ ચાલી રહ્યું છે. તેથી મારી સલાહ છે કે કોઈ ગાફેલ ન રહે. આપણી લડાઈ લાંબી ચાલવાની છે, કારણ કે આ વાઈરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેવાનો છે.

દુનિયામાં કોરોનાના અત્યાર સુધીમાં 26,37,673 કેસો નોંધાઈ ચૂક્યા છે. કુલ 1,84,217 જણ મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ, 7,17,625 જણ આ બીમારીમાંથી સાજા પણ થઈ ચૂક્યા છે.

અમેરિકામાં ગઈ કાલે એક જ દિવસમાં 2,341 જણના મરણ થયા હતા. એ દેશમાં અત્યાર સુધીમાં 47,676 જણ મૃત્યુ પામ્યા છે.