ભારતને અમારું સમર્થન પણ ચીનને કારણે નથી મળ્યું NSG સભ્યપદ: US

વોશિંગ્ટન- ટ્રમ્પ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ચીનના વીટો ઉપયોગના કારણે ભારતને અણુ સપ્લાયર્સ ગ્રૂપની (NSG) સદસ્યતા મેળવવામાં અડચણ આવી રહી છે. વધુમાં ટ્રમ્પ વહીવટી તંત્રના અધિકારીએ જણાવ્યું કે, અમેરિકા આ ​​ગ્રૂપમાં ભારતની સદસ્યતા મેળવવા પ્રયાસ કરતું રહેશે કારણકે, ભારત તેના તમામ નિયમોનું પાલન કરે છે.48 સદસ્ય ધરાવતા આ વિશિષ્ટ પરમાણુ સમૂહમાં ભારત સ્થાન મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. જોકે ચીન ભારતના આ પ્રયાસમાં સતત અડચણ ઉભી કરી રહ્યું છે. આ સમૂહ અણુ વેપાર નિયંત્રિત કરે છે. મહત્વનું છે કે, ભારતને અમેરિકા સહિત મોટા ભાગના પશ્ચિમી દેશોનું સમર્થન મળેલું છે.

જોકે, ચીન તેના વલણ પર મક્કમ છે કે, NSGમાં નવા જોડાનારા સદસ્યએ પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરવા જોઈએ. ચીનના એ વલણને કારણે NSGમાં ભારતનો પ્રવેશ મુશ્કેલ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતે NPT પર હસ્તાક્ષર કર્યા નથી. તેમ છતાં આ જૂથમાં પરસ્પર સહમતિથી નવા સદસ્યને શામિલ કરવાની પણ જોગવાઈ રહેલી છે.

દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકાના નાયબ વિદેશપ્રધાન એલિસ વેલ્સે જણાવ્યું કે, ‘પરમાણુ સપ્લાયર ગ્રૂપ સર્વસંમતિ પર આધારિત સંગઠન છે. જોકે અન્ય દેશોનો ભારતને સહયોગ છતાં ચીનના વિરોધને કારણે ભારત NSGનું સભ્યપદ મેળવી શક્યું નથી’.