ન્યૂયોર્કઃ એક તરફ અમુક સમાજો પરિવાર-સંભાળને મહિલાઓનાં સૌથી વધુ શોષણ અને ગુલામીના કારણ તરીકે બતાવ્યું છે, ત્યારે બીજી બાજુ પરંપરાગત પત્ની ઝુંબેશ માથું ઊંચકી રહી છે. આમાં રસપ્રદ બાબત એ છે કે આ ઝુંબેશમાં એવી મહિલાઓ પણ જોડાઈ રહી છે, જે ઉચ્ચ શિક્ષિત અને પોતપોતાનાં ક્ષેત્રમાં બહુ સફળ રહી છે. પશ્ચિમી દેશોમાં હવે મહિલાઓ ઘર અને નોકરી, એમ બંનેના બોજથી થાકી ગઈ છે. તેઓ ઊંચા પગાર છોડીને ઘર-પરિવારની સંભાળ લેવા તરફ પ્રયાણ કરી રહી છે.
હાલમાં જ યોજાઈ ગયેલી અમેરિકી પ્રમુખપદની ચૂંટણી-2020માં ઉપપ્રમુખ તરીકે કમલા હેરિસની જીતને વિશ્વભરમાં નારીવાદીઓ પોતાની જીત તરીકે જોઈ રહી છે. અમેરિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અલ ગોરનાં પત્ની 1993થી અમેરિકન મહિલાઓ માટે ‘પરિવારમાં વાપસી’ માટે આંદોલન ચલાવી રહ્યાં છે. એ સંયોગ છે કે કમલા હેરિસની જેમ અલ ગોર પણ ડેમોક્રેટિક પાર્ટીનાં હતા.
મોટા સમાજવિજ્ઞાનીઓ, મનોવિજ્ઞાનીઓ અને બાળકો માટે કામ કરતી સંસ્થાઓનું કહેવું છે કે જો બાળકોને નશાના જોખમથી બચાવવા હોય, અપરાધની દુનિયાથી દૂર રાખવા હોય અને તેમને સારા જવાબદાર નાગરિક બનાવવા હોય તો પરિવાર જોઈએ.
આ આંદોલનનો મુખ્ય ચહેરો એલેના પેરિટ છે. તેઓ બ્રિટનમાં રહે છે અને મશહૂર બ્લોગર છે તથા લેખિકા પણ છે. તેઓ કહે છે જે મહિલાઓ પરિવારની જવાબદારી નિભાવવા ઇચ્છે છે, પોતાનાં સંતાનો તથા ઘરની સંભાળ લેવા ઇચ્છે છે. મોટી સંખ્યામાં મહિલાઓ પરિવારોને પસંદ કરવા લાગી છે. એલેનાની મિડિયામાં બહુ ટીકા થઈ રહી છે. યુરોપના એક ન્યૂઝપેપરે તો મહિલાઓનાં આ પ્રકારના વિચારોને ‘નાઝી વિચાર’ તરીકે ઓળખાવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિકસિત દેશોમાં મહિલાઓએ બહુ કામ કરવું પડે છે.