ગાંધીજીના પ્રપૌત્ર સતીષ ધુપેલિયાનું જોહાનિસબર્ગમાં કોરોનાથી નિધન

જોહાનિસબર્ગઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાના મૂળના અને ત્યાં જ સ્થાયી થયેલા પ્રપૌત્ર સતીષ ધુપેલિયાનું કોરોના વાઈરસ મહાબીમારી સંબંધિત ગૂંચવણો ઊભી થવાને ગઈ કાલે, રવિવારે અહીં નિધન થયું છે. હજી ત્રણ દિવસ પહેલાં જ એમણે પોતાનો 66મો જન્મદિવસ ઉજવ્યો હતો. સતીષ ધુપેલિયાના નિધનની જાણકારી એમનાં બહેન ઉમા ધુપેલિયા-મેસ્થરીએ એક ફેસબુક પોસ્ટ મારફત આપી છે. સતીષ ધુપેલિયા ન્યૂમોનિયાને કારણે છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. એમાં એમને કોરોનાને કારણે કોમ્પ્લિકેશન્સ ઊભા થયા હતા. રવિવારે સાંજે એમનું હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને એમનું નિધન થયું હતું.

સતીષ ધુપેલિયાના એક વધુ બહેન પણ જોહાનિસબર્ગમાં રહે છે – કીર્તિ મેનન. તેઓ ગાંધીજીની સ્મૃતિમાં અનેક યોજનાઓમાં સક્રિય છે. આ ત્રણેય ભાઈ-બહેન ગાંધીજીના પુત્ર મણીલાલ ગાંધીના વંશજ છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં પોતે આદરેલા કાર્યો પૂરા કરી શકાય એ માટે પુત્ર મણીલાલને ત્યાં જ મૂકીને ભારત પાછા ફર્યા હતા.

સતીષ ધુપેલિયા મિડિયા ક્ષેત્રમાં હતા અને વિડિયોગ્રાફર તથા ફોટોગ્રાફર તરીકે કામ કર્યું હતું. મહાત્મા ગાંધીજીએ ડરબન નજીક ફિનિક્સ સેટલમેન્ટ ખાતે પોતે શરૂ કરેલા કામકાજને આગળ ચલાવનાર ગાંધી ડેવેલપમેન્ટ ટ્રસ્ટને સહાયતા કરવામાં સતીષ ધુપેલિયા ખૂબ જ સક્રિય રહ્યા હતા. તમામ સમુદાયોનાં લોકોને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે સતિષ જાણીતા હતા.