નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાઈરસને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કર્યો છે. ચીનમાં આ વાઈરસને કારણે 1700થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે સમગ્ર વિશ્વમાં 60 હજારથી વધુ લોકો આ વાઈરસથી પ્રભાવિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોરોનાની અસર હવે વૈશ્વિક કેપિટલ માર્કેટ પર પણ જોવા મળી રહી છે. માંગમાં થઈ રહેલા ઘટાડાથી ચીનમાં વેપાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. જાણકારોનું કહેવું છે કે, આની તાત્કાલિક અસર શેર બજાર પર પણ જોવા મળશે.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના જણાવ્યા અનુસાર માઈક્રો ઈકોનોમિક લેવલ પર આ પ્રકારના પ્રકોપની ગંભીર અસર પડે છે. વિશ્વ વેપારમાં ચીન સૌથી મોટું નિકાસકાર અને બીજા નંબરનું સૌથી મોટું આયાતકર્તા પણ છે. આ જ કારણે માગ અને પુરવઠાની સાંકળમાં ચીનનું મહત્વ ઘણું વધારે છે. ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર પણ છે અને ભારતની કુલ આયાતમાં ચીનનું યોગદાન 14 ટકાની આસપાસ છે. કોરોનાને કારણે અનેક એજન્સીઓએ ચીનના વિકાસ દરનું અનુમાન ઘટાડી દીધું છે. આઈએમએફનું કહેવું છે કે, વિકાસ દરમાં 20 પોઈન્ટ્સ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની ચીનમાં નિકાસ વધી છે. 2016-17માં ભારતે ચીનને 10.2 અબજ ડોલર, 2017-18માં 13.3 અબજ ડોલર અને 2018-19માં 16.8 અબજ ડોલરની નિકાસ કરી. તો 2017-18માં ભારતે ચીન પાસેથી 74.4 અબજ ડોલર અને 2018-19માં 70.4 અબજ ડોલરની આયાત કરી હતી.
જો કે કોરોનાને કારણે સરકારને તાત્કાલિક મોટી રાહત મળી છે. જાન્યુઆરી પછીથી ક્રૂડ ઓઈલની કિંમતોમાં 25 ટકાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. 17 ફેબ્રુઆરી આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત 57 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી. ભારત તેની કુલ જરૂરીયાતનું 80 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે.
ચીનનો વિકલ્પ શોધવો મોટો પડકાર
ઈલેક્ટ્રિક મશીનરી, મેકેનિકલ અપ્લાયન્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક અ સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટ માટે ભારતનો મોટો આધાર ચીન પર છે. આયાતમાં આનું યોગદાન 28 ટકાની આસપાસ છે. કેયર રેટિંગ એજન્સીનું કહેવું છે કે, જો ચીનની આ સમસ્યાનો ઝડપી કોઈ નિકાલ નહીં આવે તો ભારતે તાત્કાલિક અન્ય વિકલ્પોની શોધ કરવી પડશે અને એનાથી પરેશાનીમાં વધારો થશે. જો વિકલ્પ શોધવામાં વિલંબ થયો તો આ સેક્ટરો પર ગંભીર અસર જોવા મળશે.
ઓટો સેક્ટર પહેલાથી જ ઘટતી જતી માંગના પ્રશ્ને મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ઓટો પાર્ટ્સમાં ચીનનું યોગદાન 30 ટકા જેટલુ છે. આ સ્થિતિમાં ઓટો સેક્ટર પર દબાણ વધ્યું છે. આ સેક્ટર પહેલાથી જ બીએસ-6ના પડકારોથી પરેશાન છે. આ જ સ્થિતિ ફાર્મા સેક્ટરની છે. ભારત 67 ટકા એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રીડિયેન્ટની આયાત ચીન પાસેથી કરે છે. જો કે ફાર્મા કંપનીઓ 2-3 મહિનાનો સ્ટોક રાખતી હોવાથી હાલ કોઈ મુશ્કેલી નથી પણ લાંબા ગાળે તેના પર અસર પડી શકે છે.