ટ્રમ્પે વોશિંગ્ટન પોસ્ટ, ન્યૂયોર્ક ટાઈમ્સને વ્હાઈટ હાઉસમાં બંધ કરાવ્યા

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના બે અગ્રગણ્ય અખબારો – વોશિંગ્ટન પોસ્ટ અને ન્યૂયોર્ક ટાઈમ્સની કોપીઓ વ્હાઈટ હાઉસમાં મગાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. એમણે આ બંને અખબારનું લવાજમ ન ભરવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે.

ટ્રમ્પે આ બંને અખબારને નકલી ગણાવ્યા છે અને તે મંગાવવાનું બંધ કરી દીધું છે.

એટલું જ નહીં, વ્હાઈટ હાઉસે તમામ ફેડરલ (કેન્દ્રીય) એજન્સીઓને પણ કહ્યું છે કે તેઓ આ બે અખબારનું લવાજમ ભરવાનું હવે બંધ કરી દે.

ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું જ હતું કે તેઓ બંને અખબારને બંધ કરી દેવાના છે.

ગયા સોમવારે ટ્રમ્પે કહ્યું હતું કે અમે કોઈ પણ હાલતમાં વ્હાઈટ હાઉસમાં ન્યૂયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટ અખબારો નહીં મંગાવીએ, કારણ કે આ બંને અખબાર નકલી છે.

ટ્રમ્પે પત્રકારોને જનતાના દુશ્મન કહ્યા હતા અને એમના ટીકાત્મક કવરેજને નકલી ગણાવ્યા હતા.

વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ સ્ટિફની ગ્રિશમે એક નિવેદનમાં જણાવ્યું છે કે તમામ ફેડરલ એજન્સીઓને જણાવી દેવામાં આવ્યું છે કે તેઓ આ બંને અખબારની કોપીઓ હવે ન મગાવે. એમ કરવાથી કરદાતાઓનાં પૈસા બચશે.

ટ્રમ્પનો આક્ષેપ છે કે આ બંને અખબાર એમની સતત ટીકા કરતા રહ્યા છે અને એમને અવારનવાર ટાર્ગેટ બનાવે છે.

ભૂતકાળમાં, પ્રમુખ સ્વ. જોન એફ. કેનેડીએ પણ આવું પગલું ભર્યું હતું અને ન્યૂયોર્ક હેરાલ્ડ ટ્રિબ્યુન અખબાર પક્ષપાતી વલણ રાખે છે એવો આક્ષેપ કરીને એની કોપીઓ મગાવવાનું બંધ કરાવી દીધું હતું. જોકે બાદમાં વ્હાઈટ હાઉસે તે અખબારનું લવાજમ ફરી શરૂ કર્યું હતું.