વોશિંગ્ટનઃ સેન ફ્રાન્સિસ્કો શહેરમાં આવેલી ભારતીય કોન્સ્યૂલેટ પર શીખ અલગતાવાદી લોકોના એક જૂથે ગયા રવિવારે કરેલા હુમલાને અમેરિકાના વહીવટીતંત્રએ વખોડી કાઢ્યો છે અને કહ્યું છે કે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ખાલિસ્તાનની તરફેણમાં નારા લગાવતા દેખાવકારો ભારતીય કોન્સ્યૂલેટ પર ધસી ગયા હતા અને શહેરની પોલીસ દ્વારા ત્યાં મૂકવામાં આવેલા કામચલાઉ સુરક્ષા અવરોધોને તોડી નાખ્યા હતા અને કોન્સ્યૂલેટની ઈમારતની અંદર બે કથિતપણે ખાલિસ્તાની ધ્વજ લગાડ્યા હતા. જોકે કોન્સ્યૂલેટમાંના બે કર્મચારીએ તરત જ એ બંને ધ્વજને ત્યાંથી હટાવી દીધા હતા. તે પછી રોષે ભરાયેલા દેખાવકારો કોન્સ્યૂલેટ ઈમારતની અંદર ઘૂસ્યા હતા અને લોખંડના સળિયાઓ વડે દરવાજા અને બારીઓ તોડવા લાગ્યા હતા.
વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના કોઓર્ડિનેટર (વ્યૂહાત્મક સંદેશવ્યવહાર) જોન કિર્બીએ કહ્યું કે આવી ગૂંડાગીરીને જરાય ચલાવી ન લેવાય. અમે આ બનાવની કડકપણે નિંદા કરીએ છીએ. આ બનાવની યોગ્ય રીતે તપાસ કરાવવા માટે વિદેશ મંત્રાલયનો રાજદ્વારી સુરક્ષા સેવા વિભાગ સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યો છે.