બાઈડનના સર્જન-જનરલ તરીકે ભારતીય-અમેરિકન ડો. વિવેક મૂર્તિ

વોશિંગ્ટન: ભારતીય અમેરિકન ડોક્ટર વિવેક મૂર્તિને અમેરિકાના પ્રમુખ જૉ બાઈડનના સર્જન જનરલ તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને અમેરિકાની સંસદ (કોંગ્રેસ)ના ઉપલા ગૃહ – સેનેટ તરફથી ગઈ કાલે મંજૂરી આપવામાં આવી છે. આમ, કોરોનાવાઈરસ રોગચાળા વચ્ચે પ્રમુખના સ્વાસ્થ્યની સંભાળ રાખવાની ટોચના જાહેર આરોગ્ય અધિકારીને જવાબદારી આપવાનો બાઈડન વહીવટીતંત્રનો માર્ગ મોકળો થયો છે. બાઈડનના સર્જન જનરલ તરીકે ભારતીય અમેરિકન ડો. મૂર્તિને નિયુક્ત કરવાનો પ્રસ્તાવ સેનેટમાં 57 વિરુદ્ધ 43 મતોથી પસાર થયો હતો. ડો. મૂર્તિએ અગાઉ ઓબામા વહીવટીતંત્ર વખતે પણ સર્જન જનરલ તરીકે સેવા બજાવી હતી, પરંતુ 2017માં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એમને બરતરફ કર્યા હતા.

પબ્લિક હેલ્થ સર્વિસ કમિશન્ડ કોર્પ્સના ભૂતપૂર્વ વાઈસ-એડમિરલ ડો. વિવેક મૂર્તિએ પોતાને ફરીવાર સર્જન જનરલ તરીકે સેવા બજાવવાનો મોકો આપવા બદલ સેનેટનો ટ્વીટ કરીને આભાર માન્યો છે અને લખ્યું છે કે છેલ્લા એક વર્ષથી દેશ ઘણી યાતના ભોગવી રહ્યો છે અને હું આપણા દેશના જખમને રુઝવવામાં તેમજ આપણા દેશના બાળકો માટે વધારે સારા ભવિષ્યનું નિર્માણ કરવામાં મદદરૂપ થવા આપની સાથે કામ કરવા માટે ઉત્સૂક છું.