વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે પોતે આ સપ્તાહાંતે ફ્રાન્સમાં નિર્ધારિત G7 શિખર સંમેલન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને કશ્મીરમાંની પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.
ટ્રમ્પે ગઈ કાલે વ્હાઈટ હાઉસમાં એમની ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે હું વડા પ્રધાન મોદીને મળવાનો છું. ફ્રાન્સમાં સપ્તાહાંતે અમે મળવાના છીએ. મને લાગે છે કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને ઉકેલવામાં મદદ કરીશું.
ઉલ્લેખનીય છે કે, હજી સોમવારે જ ટ્રમ્પે મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનને અલગ અલગ રીતે ફોન કર્યો હતો અને એમની સાથે કશ્મીર મુદ્દે ચર્ચા કરી હતી.
ભારત સરકારે જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને દૂર કરી નાખી છે અને તે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દીધું છે. એક, જમ્મુ અને કશ્મીર તથા બીજો લડાખ. આમ, હવે જમ્મુ-કશ્મીર હવે ભારતનું રાજ્ય નહીં, પણ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. ભારત સરકારના આ નિર્ણયને કારણે પાકિસ્તાન ભડક્યું છે. પરિણામે બંને દેશ વચ્ચેના સંબંધોમાં તાણ ઊભી થઈ છે.
ભારત સરકારે દુનિયાના દેશોને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે કશ્મીરમાં 370 કલમનો મામલો સંપૂર્ણપણે એનો આંતરિક છે. ભારત સરકારે પાકિસ્તાનને પણ આ વાસ્તવિક્તાને સ્વીકારી લેવાની સલાહ આપી છે.
ટ્રમ્પે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી સમસ્યાઓ છે અને એ ઉકેલવા માટે હું મધ્યસ્થી કરવાના કે બીજું કંઈ પણ કરવાના શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. મારે બંને જણ (મોદી અને ઈમરાન) સાથે સારા સંબંધો છે, પણ એ બંને (ભારત અને પાકિસ્તાન) હાલ સારા મિત્રો નથી.
ટ્રમ્પે કહ્યું કે, સાચું કહું તો ઘણી જ વિસ્ફોટક પરિસ્થિતિ છે. મેં ગઈ કાલે વડા પ્રધાન ખાન અને વડા પ્રધાન મોદી, બંને સાથે ફોન પર વાત કરી હતી. એ બંને જણ મારા મિત્રો છે. એ બંને બહુ સારા માનવી છે અને બંનેને પોતપોતાના દેશ માટે પ્રેમ છે. બહુ જટિલ પરિસ્થિતિ છે. ઘણું બધું ધર્મથી જોડાયેલું છે. ધર્મ બહુ જટિલ વિષય છે. હિન્દુઓ છે, મુસ્લિમો પણ છે. પણ એમને સારું બને છે એવું હું નહીં કહું.