વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનની મુલાકાતના સ્થળ અને દિવસ બાદ હવે મુલાકાતનો સમય પણ નક્કી કરી લેવામાં આવ્યો છે. બન્ને નેતા સિંગાપુરના સમય અનુસાર સવારે 9 વાગ્યે મુલાકાત કરશે. મહત્વનું છે કે, આ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.વ્હાઈટ હાઉસે આ બેઠકના સમય અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, 12મી જૂનના રોજ સિંગાપુરના સ્થાનિક સમય અનુસાર બન્ને નેતાઓ સવારે 9 વાગ્યે મળશે. અમેરિકન પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે બેઠકના સમય અંગે માહિતી આપતા જણાવ્યું કે, સિંગાપુરમાં એક ટીમ બેઠકની તૈયારીને અંતિમ રુપ આપી રહી છે. બેઠક શરુ થતાં સુધી આ ટીમ ત્યાં જ રોકાશે. વધુમાં સારા સેન્ડર્સે જણાવ્યું કે, બેઠક પહેલાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયા અંગે દરરોજ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે વિગતો મેળવી રહ્યાં છે.
જ્યારથી આ બેઠક નક્કી કરવામાં આવી છે, ત્યારથી જ બન્ને નેતાઓની મુલાકાતને લઈને કોઈને કોઈ મુશ્કેલી સર્જાઈ રહી છે. એક તબક્કે તો ડોનાલ્ડ ટ્રમ્પે મુલાકાત રદ કરવાની પણ જાહેરાત કરી હતી. ટ્રમ્પની આ જાહેરાતથી વિશ્વને આઘાત પણ લાગ્યો હતો. અનેક દેશોએ ટ્રમ્પના નિર્ણયની આલોચના પણ કરી હતી. જોકે આ વખતે ઉત્તર કોરિયાએ સંયમથી કામ કર્યું અને આ મુલાકાતને યથાવત રાખવા રાજકીય ચર્ચા શરુ કરી.
ઉત્તર કોરિયાના સકારાત્મક વલણને જોતાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી આ બેઠક માટે સહમત થયા છે. હવે બન્ને નેતાઓ પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે મુલાકાત કરશે. એટલે કે, ટ્રમ્પ અને કિમ જોંગ સિંગાપુરમાં 12 જૂને સવારે 9 વાગ્યે મળશે. આ પ્રથમ ઘટના હશે જ્યારે બન્ને નેતાઓ એકબીજા સાથે મુલાકાત કરશે.