નવી દિલ્હી– અમેરિકાની સેન્ટ્રલ બેંકે આ વર્ષે ચોથી વખત વ્યાજના દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ ચોથા વધારા સાથે,અમેરિકામાં વ્યાજના દર 2.25 ટકાથી વધીને 2.50 ટકા થઈ ગયાં છે. જેરોમ પોવેલે વ્યાજદરોમાં વધારો કરવાની સાથે જણાવ્યું કે તે તેની બેલેન્સશીટમાં પ્રતિ મહિને 50 બિલિયન ડોલરનો ઘટાડો કરશે.
કોઈ પણ દેશની સરકાર અને ત્યાંની કેન્દ્રીય બેંક વચ્ચે તણાવ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાની તમામ પ્રમુખ અર્થવ્યવસ્થાઓમાં આ વાત સામાન્ય બની ગઈ છે. તાજેતરમાં જ ભારતમાં રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે તણાવને પગલે ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું હતું. આ તણાવભરી સ્થિતિ વિશ્વની અન્ય અર્થવ્યવસ્થામાં પણ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહની અવગણના કરતા યુનાઈટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વએ વ્યાજના દરોમાં વધારો કરી દીધો છે. ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલએ ટ્રમ્પના દબાણને નજરઅંદાજ કરીને એક વર્ષમાં ચોથી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે..
અમેરિકામાં થયેલા વ્યાજદરમાં વધારાને કારણે યુએસ સ્ટોક માર્કેટ અને સરકારી બોન્ડ્સમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ આ નિર્ણયની અસર વિશ્વની અન્ય બજારોમાં પણ જોવા મળી અને ડોલરની સરખામણીએ અન્ય વૈશ્વિક કરન્સીઓમાં ઘટાડો નોંધાયો. ફેડરલ રિઝર્વનો દાવો છે કે, તે આગળ પણ વ્યાજદરમાં વધુ કાપની જાહેરાત કરી શકે છે. અમેરિકાની એક રોકાણ સંસ્થાએ રોઇટર્સને આપેલી જાણકારીમાં કહ્યું છે કે, ફેડરલ રિઝર્વએ ધિરાણ નીતિ નક્કી કરવામાં ભૂલ કરી છે, કારણ કે અમેરિકામાં પહેલાથીજ વ્યાજદરોમાં વધારો થઈ ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન, યુ.એસ.અર્થતંત્ર મજબૂત બનવાના સંકેતો દર્શાવે છે, તો બીજી તરફ છેલ્લા એક વર્ષ દરમિયાન યુએસના આર્થિક આંકડામાં સુધારો થયો છે. આ સ્થિતિને જોતા ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે, અમેરિકાના વૃદ્ધિદર પર નકારાત્મક અસર પડવાના જોખમને પગલે મધ્યસ્થ બેંકે વ્યાજદરમાં વધારો કરવો ન જોઈએ.
ટ્રમ્પે તેમની દલીલમાં કહ્યું કે, ફેડરલ રિઝર્વે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, અમેરિકાએ ચીન સાથે ટ્રેડ વોર શરુ કર્યું છે. અને અમેરિકા આ વોરમાં જીતની એકદમ નજીક છે. તો બીજી તરફ વૈશ્વિક અર્થતંત્ર પર, ટ્રમ્પે જણાવ્યું હતું કે ફ્રાંસની સ્થિતિ ચિંતાજનક છે અને યુ.એસ. સિવાય અન્ય પ્રમુખ અર્થતંત્રો પરેશાન છે. તેનાથી વિપરીત અમેરિકન ડોલર વૈશ્વિક સ્તર પર મજબૂત થઈ રહ્યું છે,અને મોંઘવારી લગભગ નહિવત્ત પ્રમાણમાં છે. આ સ્થિતિમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવો અમેરિકાની અર્થવ્યવસ્થાને નુકસાન પ્હોંચાડી શકે છે.