સાત દાયકા બાદ દક્ષિણ કોરિયાની રાજધાનીથી અમેરિકાએ પોતાની સેના હટાવી

સોલ- સાત દાયકા બાદ હવે અમેરિકા દક્ષિણ કોરિયાની રાજધાની સોલથી પોતાની સેના ઔપચારિક રીતે હટાવી રહ્યું છે. અમેરિકન આર્મી દક્ષિણ સોલ ખાતેના તેના નવા મથકનું ઉદઘાટન કરી રહી છે. અમેરિકાના આ પગલાને નોર્થ કોરિયા સાથે વધુ નિકટ જવાનું પગલું માનવામાં આવી રહ્યું છે. પરંતુ જાણકારોનું માનવું છે કે, તેનું કારણ કંઈક જુદું જ છે.હકીકતમાં અમેરિકન સેનાનું મુખ્યાલય સોલના મુખ્ય રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં આવેલું હતું. અમેરિકાની સેનાની હાજરીને લઈને દક્ષિણ કોરિયાના લોકોમાં લાંબા સમયથી અસંતોષ હતો. જેને લઈને અમેરિકા અને સોલ વચ્ચે વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી. જેથી હવે અમેરિકાએ દક્ષિણ કોરિયાની રાજધાની સોલથી 70 કિલોમીટર દૂર પોતાનું નવું મુખ્યાલય સ્થાપ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, અમેરિકન સેનાનું નવું મુખ્યાલય કોરિયાઈ ટાપુના તણાવગ્રસ્ત વિસ્તારથી પણ દૂર છે.

બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનને પાઠ ભણાવવાના ઉદ્દેશ્યથી અમેરિકન આર્મીએ સોલમાં પોતાનું મુખ્યાલય બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સોલમાં અમેરિકન સેના વર્ષ 1945થી હાજર છે. સોલમાં અમેરિકન સેનાની હાજરીને ઉત્તર કોરિયાના આક્રમક વલણના ઉકેલ તરીકે પણ જોવામાં આવે છે.

દક્ષિણ કોરિયામાં અમેરિકાના 28 હજાર 500 સૈનિકો તહેનાત છે. અમેરિકાના રક્ષાપ્રધાન જેમ્સ મેટિસે દક્ષિણ કોરિયાના પ્રધાન સોંગ યંગ-મૂ  સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અમેરિકન રક્ષાપ્રધાન જેમ્સ મેટિસે જણાવ્યું કે, દક્ષિણ કોરિયા માટે અમેરિકાની પ્રતિબદ્ધતામાં કોઈ કમી આવશે નહીં.