ચીન VS અમેરિકા: હોંગકોંગને લઈને બે ભાગમાં વહેંચાઈ ગઈ દુનિયા!

ન્યુયોર્ક:  ચીને બનાવેલા વિવાદિત હોંગકોંગ સુરક્ષા કાયદાના પડઘા યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં પડયા છે. દુનિયાભરના માનવાધિકારની હિમાયત કરનાર યુનાઇટેડ સ્ટેટ્સે આ કાયદાનો જોરદાર વિરોધ કર્યો અને ચીનને આડે હાથ લીધું હતું. તેમનો સાથ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત પશ્ચિમના તમામ દેશોએ આપ્યો. તો બીજી તરફ રશિયાએ ચીન સાથે તેમની જૂની મિત્રતા નિભાવતા આ મંચ પર પણ ચીનનો સાથ આપ્યો.  નોંધપાત્ર વાત એ છે કે, ચીની સંસદે ગુરુવારે હોંગકોંગમાં નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગુ કરવા માટે ઠરાવ પસાર કર્યો હતો. જેને લઈને આંતરાષ્ટ્રીય સ્તર પર ચીનનો વિરોધ થઈ રહ્યો છે. એવી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કાયદાથી હોંગકોંગમાં માનવાધિકારનું ઉલ્લંઘન થશે.

હોંગકોંગ પર અમેરિકાની પ્રથમ કૂટનીતિક જીત

ચીનના તમામ વિરોધ છતાં આ મુદ્દો 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં ઉઠાવવામાં આવ્યો હતો. ચીનની દલીલ એવી હતી કે હોંગકોંગ ચીનનો આંતરિક મામલો છે, એના પર કોઈ પણ દેશને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. સુરક્ષા પરિષદના સભ્યો દ્વારા વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મુદ્દા પર અનૌપચારિક ચર્ચા કરવામાં આવી. જોકે, ચીનના વિરોધને કારણે સુરક્ષા પરિષદમાં આ અંગે ખુલ્લેઆમ ચર્ચા થઈ શકી નહોતી. ચીન પર હોંગકોંગ સુરક્ષા કાયદાને નાબૂદ કરવા માટે જબરદસ્ત આંતરરાષ્ટ્રીય દબાણ કરવામાં આવ્યું છે. જોકે છેલ્લે પરિણામ શું આવશે તે તો સમય જ કહેશે પણ અમેરિકાએ ચીન પર શકંજો કસવાનું શરુ કરી દિધું છે.

ચીન અને રશિયાના રાજદ્વારીઓએ પરિષદની ચર્ચા દરમિયાન માનવાધિકાર મુદ્દા પર અમેરિકાને ઘેરવાની તૈયારી કરી. રશિયાના ઉપ સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત દિમિત્રી પાલાનસ્કીએ પરિષદની ચર્ચા બાદ ટ્વિટર પર પોસ્ટ કરી હતી કે, અમેરિકાએ હોંગકોંગમાં શાંતિ અને વ્યવસ્થા માટે ચીનના અધિકારને નકારી દીધા છે.

અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ એ એક સંયુક્ત નિવેદનમાં હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગૂ કરવાના ચીનના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આ પગલું એક દેશ બે પ્રણાલીઓના પાયાને નબળો કરી દેશે. તેમણે વધુમાં કહ્યું કે, આ કાયદાથી ચીનના આંતરાષ્ટ્રીય દાયિત્વોની સાથે સંઘર્ષ વધી જશે. આ સાથે જ હોંગકોંગ પર માનવાધિકારને લઈને પણ ચિંતા વ્યક્ત કરી.