એલન: અમેરિકાના ટેક્સાસ રાજ્યના એલન શહેરના એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલની બહાર એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરતાં 9 જણનાં જાન ગયા છે અને બીજાં સાત જણ ઘાયલ થયા છે. બનાવ નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, બંદૂકધારીએ મોલની બહાર પસાર થતાં લોકો પર બેફામપણે ગોળીબાર કર્યો હત. ઘટનાસ્થળે હાજર રહેલા એક પોલીસ અધિકારીએ હુમલાખોરને ઠાર માર્યો હતો.
હુમલા પાછળના ઈરાદાની તત્કાળ જાણ થઈ શકી નથી. બંદૂકધારીની ઓળખ પણ પોલીસ તરફથી હજી આપવામાં આવી નથી. હુમલાની જાણ થયા બાદ ત્યાં દોડી ગયેલા પોલીસોએ શોપિંગ મોલની અંદરથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. એલન શહેરમાં આશરે એક લાખ લોકોની વસ્તી છે. અમેરિકામાં જાહેર સ્થળોએ અંધાધૂંધ ગોળીબાર વારંવાર થતા હોય છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં આવા 198 બનાવ બન્યા છે.
