‘બાળકો કંઈ આ મહામારી કોવિડ-19નો ચહેરો નથી. છતાં તેઓ તેના સૌથી વધુ પીડિત લોકો છે. જો કે, અત્યાર સુધીમાં સારી વાત એ રહી છે કે, કોવિડ-19નો બાળકોના સ્વાસ્થ્ય પર સીધો પ્રભાવ નથી પડ્યો. પણ આ સંકટની ઘેરી અસર તેમના જીવન પર તો થઈ જ છે.’
‘કોરોના મહામારી દુનિયાના ૪૨-૬૬ મિલિયન બાળકોને અતિશય કારમી ગરીબી હેઠળ ધકેલી દેશે અને આ મહામારીના પ્રકોપને લીધે ઉદભવેલી આર્થિક મંદીને કારણે વર્ષ 2020માં હજારોની સંખ્યામાં બાળમૃત્યુદરમાં વધારો થશે’ એવું સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે બાળકો પર એક રિપોર્ટ ‘કોવિડ-19ની બાળકો પર અસર’ તૈયાર કર્યો. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, કોરોના સંકટના ત્રણ એવા પ્રવાહ છે જેનાથી બાળકો પ્રભાવિત થયા છે. ૧) સીધે સીધા આ વાયરસથી સંક્રમિત થયેલા અમુક બાળકો ૨) આ વાયરસનો ચેપ વધુ લોકોમાં ન ફેલાય અને વાયરસનો નાશ થાય તેવા પ્રયત્નોમાં સામાજિક તેમજ આર્થિક વ્યવહાર બંધ રાખવાના પગલાંની અસર તેમજ ૩) આ જ કારણને લીધે જીવન વિકાસના અન્ય લક્ષ્યાંકોને થોભાવવા.
આ બધાં કારણોને લીધે હજુ ૪૨-૬૬ મિલિયન જેટલાં બાળકો અતિશય કારમી ગરીબીમાં ધકેલાઈ જશે તેવો ભય યુ.એન સંસ્થાએ જાહેર કર્યો છે! વર્ષ 2019થી 386 મિલિયન જેટલાં બાળકો તો અતિશય કારમી ગરીબી રેખા હેઠળ જીવી જ રહ્યાં છે!
કોરોના કટોકટીએ શિક્ષણની પ્રક્રિયા ઠપ્પ કરી દીધી છે. કેમ કે, વર્તમાન સમયમાં 188 દેશોની શિક્ષણ સંસ્થાઓ બંધ છે. જેની સીધી અસર 1.5 બિલિયન બાળકો તેમજ યુવાનોના શિક્ષણ પર પડી રહી છે. યુવા પેઢીના શિક્ષણ માટે આ મહામારીને લીધે અડચણ ઊભી થઈ છે. તેમજ યુવાનોના સામાજિક ઘડતરની શક્યતાઓ પણ ખોવાઈ રહી છે, જેનો ઉકેલ મેળવવો મુશ્કેલ થઈ રહ્યો છે!
દુનિયાના લગભગ બે તૃતીયાંશ જેટલા દેશોએ શૈક્ષણિક અભ્યાસ માટે ડિજિટલ પ્લેટફોર્મને અપનાવ્યું છે. પરંતુ તેમાં પણ ગરીબ દેશોમાં આનું પ્રમાણ ૩૦ ટકા જ છે! આ મહામારીના ઉદ્ભવ પહેલાં પણ દુનિયાના એક તૃતીયાંશ જેટલા યુવાનો ડિજિટલ પ્લેટફોર્મથી બાકાત જ રહ્યા છે!
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના અનુમાન પ્રમાણે, દુનિયામાં બે મિલિયનથી વધુ લોકો કોરોના વાયરસથી ગ્રસ્ત થયા છે. જેમાં ૧,૩૯,૪૧૯ લોકો મૃત્યુ પામ્યા છે. સૌથી ખરાબ હાલત યુએસની છે. જ્યાં કોવિડ-19ના ૬,૪૦,૦૦૦ કેસ છે અને ૩૧,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે.
માતા કે પિતા વિહોણા એકલાં રહી ગયેલા બાળકોના ઉછેર તેમજ આરોગ્ય માટે રહેલા ભય વિશે યુએનનો રિપોર્ટ જણાવે છે, ‘કોરોના મહામારીને પગલે આવેલી વૈશ્વિક મંદીને કારણે ગરીબ પરિવારોને ભોગવવી પડતી આર્થિક સંકળામણનો સીધો પ્રભાવ બાળ મૃત્યુદરનો આંકડો વર્ષ ૨૦૨૦માં એક હજાર સુધી વધારી દે તેવી શક્યતા છે! આ આંકડો છેલ્લા બે થી ત્રણ વર્ષ દરમ્યાન ઘટવા પામ્યો હતો. પણ વર્ષ 2020માં આ આંકડો બમણો વધી જવાની શક્યતા છે!’