લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને એમના દેશમાં કોરોના વાઈરસના નવા પ્રકારના કેસો વધી ગયા હોવાથી અને ફરીથી દેશવ્યાપી લોકડાઉન પણ લાગુ કરી દીધું હોવાથી એમણે આ મહિને 26-જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજર રહેવાનો એમનો પ્રોગ્રામ રદ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક દિવસ વાર્ષિક પરેડ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જોન્સનને આમંત્રણ આપ્યું હતું, જેનો જોન્સને સ્વીકાર પણ કર્યો હતો, પરંતુ હવે એમના દેશમાં કોરોના વાઈરસ સ્ટ્રેને હાહાકાર મચાવ્યો છે. એમણે આજે સવારે જ મોદીને ફોન કર્યો હતો અને ભારતની મુલાકાતે આવવા પોતાની અસમર્થતા વિશે ખેદ વ્યક્ત કર્યો હતો. બ્રિટનમાં વાઈરસને રોકવા માટેના પગલાં લેવાની જરૂર હોવાથી પોતે ભારત આવી શકે એમ નથી, એમ તેમણે મોદીને કહ્યું હતું.
