બ્રિટન: સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે આ બધા વચ્ચે યુકેનું એક દંપતી આજ સુધી કોરોનાથી સાવ અજાણ હતું. વાત જાણે એમ છે કે, મેનચેસ્ટરના એલેના મનીગેટ્ટી અને રયાન ઓસબોર્નને હાલમાં જ કોરોના મહામારી અંગે ખબર પડી. આ દંપતી ગયા મહિને કેનરી ટાપુથી કેરિબિયનના એટલાન્ટિક મહાસાગરમાં કેરિબિયનના પ્રવાસે હતા. મહત્વનું છે કે, એલેના અને રયાને વર્ષ 2017માં તેમની નોકરી છોડીને વિશ્વનું ભ્રમણ કરવા માટે એક બોટ ખરીદી હતી. આ દંપતી તેમના પરિવારના સંપર્કમાં હતુ પણ તેમની કેરિબિયન ટ્રીપ પહેલા જ પરિવારને કહી દીધુ હતું કે, તેમને કોઈ ખરાબ સમાચાર ન સંભળાવે.
જ્યારે બંનેએ માર્ચના મધ્યમાં એક નાનકડા ટાપુ પર જવાનો પ્લાન કર્યો તો 25 દિવસ પછી સમુદ્રમાં બહારના વિશ્વ સાથે થોડો સંચાર થયો, બંને જાણીને આશ્ચર્યમાં પડી ગયા કે, કેરેબિયાઈ ટાપુએ તેમની સરહદોને સીલ કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર હજારો ક્રુઝ જહાજ યાત્રીઓને સમુદ્રમાં ફસાયેલા છોડી મૂકવામાં આવ્યા છે કારણ કે, કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે બધા દેશોએ પોતાની સરહદોને સીલ કરી દીધી છે.
એલેના અને રયાન કહે છે કે, તેમને કોરોના વાઈરસ અંગે ખૂબ જ ઓછુ સાંભળ્યું હતું, ફેબ્રુઆરીમાં અમે સાંભળ્યું હતું કે, ચીનમાં એક વાઈરસ હતો પણ 25 દિવસ પછી અમને કેરિબિયન ટાપુ પરથી કોરોના અંગે સંપૂર્ણ માહિતી મળી. ત્યારે અમને ખબર પડી કે, કોરોના વાઈરસને પ્રકોપ ખરાબ રીતે સમગ્ર વિશ્વ પર પડી રહ્યો છે.
રયાને કહ્યું કે, જ્યારે અમે કિનારા પર પહોંચ્યા તો ખબર પડી કે વાઈરસ હજુ ખત્મ નથી થયો. કેરિબિયન ટાપુ પર પહોંચવામાં અસફળ રહ્યા બાદ બંનેએ તેમની બોટ ગ્રેનાડા તરફ વાળી જ્યાં અંતે તેઓ એક સારુ ઈન્ટરનેટ કનેક્શન મેળવી શકયા અને અનુભવ્યું કે વિશ્વભરમાં શું થઈ રહ્યું છે.
એલેનાએ કહ્યુ કે, અમારો એક મિત્ર પહેલાથી જ સેન્ટ વિન્સેન્ટમાં હતો અમે પણ ત્યાં જવાનો પ્લાન બનાવી રહ્યા હતા. કોરોના અંગેની માહિતી મળ્યાના 10 કલાક પછી અમારો સંપર્ક તેની સાથે થયો. તેમણે જણાવ્યું કે, તેમને કોઈ ટાપુ પર પ્રવેશ નહીં મળે કારણ કે તે ઈટલીના રહેવાસી છે. પણ અમે છેલ્લા કેટલાક મહિનાઓથી ઈટલી નહતા ગયા.
નસીબજોગે આ દંપતી તેમની જીપીએસ હિસ્ટ્રીને ટ્રેક કરવામાં સફળ રહ્યા અને સાબિત કરી શક્યા કે, તે 25 દિવસથી સમુદ્રમાં હતા. ત્યારબાદ તેને પ્રવેશ આપવામાં આવ્યો. હાલ આ દંપતી સેન્ટ વિન્સેન્ટમાં છે, આશા છે કે, જૂનમાં દરિયાઈ તોફાનની મોસમ શરુ થયા પહેલા તે અહીંથી બહાર નિકળી શકશે.