લંડનનું ઘર બચાવવા માટે માલ્યા 88 હજાર પાઉન્ડ ચૂકવે: બ્રિટિશ કોર્ટનો હૂકમ

0
994

લંડન – ભારતમાં બેન્કો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરીને લંડન ભાગી ગયેલો શરાબનો ઉદ્યોગપતિ વિજય માલ્યા હવે એ દેશમાં પણ ફસાઈ ગયો છે. લંડનની એક કોર્ટે એને આદેશ આપ્યો છે કે એણે યુબીએસ ઈન્વેસ્ટમેન્ટ બેન્કને 88 હજાર પાઉન્ડ (રૂ. 80 લાખ) ચૂકવવા પડશે. આ બેન્કે માલ્યાને લંડનમાં ઘર ખરીદવા માટે બે કરોડ 4 લાખ પાઉન્ડની મોર્ગજ લોન આપી હતી.

કોર્ટે માલ્યાને આદેશ આપ્યો છે કે એણે સ્વિસ બેન્ક યુબીએસ ઈન્વેસ્ટમેન્ટ બેન્કને 2019ની ચોથી જાન્યુઆરી સુધીમાં આ રકમ ચૂકવી દેવી.

આ સ્વિસ બેન્કે બ્રિટિશ કોર્ટમાં કરેલા કેસમાં એવી માગણી કરી છે કે માલ્યાએ લંડનમાં ઘર ખરીદવા માટે એની પાસેથી લીધેલી લોન ભરપાઈ કરી નથી એટલે ઘરનો કબજો બેન્કને આપી દેવો જોઈએ.

આ પ્રોપર્ટી લંડનના મધ્ય ભાગમાં આવેલા કોર્નવોલ ટેરેસમાં આવેલી છે, જેમાંથી ભવ્ય રીજેન્ટ્સ પાર્કનાં દર્શન થાય છે. માલ્યા તેના પારિવારિક નિવાસસ્થાન તરીકે આનો ઉપયોગ કરે છે.

62-વર્ષનો માલ્યા કિંગફિશર એરલાઈન્સનો ભૂતપૂર્વ માલિક છે. આ એરલાઈન હાલ બંધ થઈ ગઈ છે.

માલ્યાને ભારતમાં ભાગેડૂ જાહેર કરાયો છે અને ભારત સરકારે એના પ્રત્યાર્પણ માટે બ્રિટિશ સરકારને વિનંતી કરી દીધી છે. લંડનમાં હાલ માલ્યા જામીન પર છૂટેલો છે.

ભારતમાં એણે અનેક બેન્કો પાસેથી કુલ રૂ. 9000 કરોડ જેટલી લોન લીધી હતી, પણ એ ભરપાઈ કરી નથી એવો આરોપ છે. માલ્યા 2016થી બ્રિટનમાં રહે છે.